The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 21

ભરૂચ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી

ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

વૈષ્ણવ સમાજ દ્વારા ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિરમાં બિરાજમાન શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ નંદોત્સવ સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય વ્રજેશલાલ શાસ્ત્રીજીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમનો વૈષ્ણવોએ લાભ લીધો હતો

હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો અને યાદો એકતાનગર SOU થી અમદાવાદ હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન સાથે !

વર્ષ 1861 માં ડભોઇ-કરજણ વચ્ચે બુલોક ટ્રેનની શરૂઆત બાદ સ્ટીમ, ડીઝલ અને આજનો ઇલેક્ટ્રિક એન્જીનનો યુગ શરૂ થયો હતો.

હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો અને યાદો એકતાનગર SOU થી અમદાવાદ હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન સાથે આજે સરદાર જ્યંતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપતા ફરી જીવંત થઈ છે.બરોડા સ્ટેટમાં 162 વર્ષ પેહલા બુલોક ટ્રેનથી શરૂ થયેલી રેલવે સેવા, સ્ટીમ એન્જીન, ડીઝલ એન્જીન, ઇલેક્ટ્રિક બાદ ભવિષ્યમાં બુલેટ ટ્રેને પોહચવાની છે ત્યારે હેરિટેજ સ્ટીમ એન્જીનની ભૂતકાળની મુસાફરી ફરી વર્તમાન બની છે.

પશ્ચિમ રેલવેમાં નેરોગેજ લાઇનનું સોંથી મોટું નેટવર્ક વડોદરા ડિવિઝન ધરાવતું હતું. અંગ્રેજો અને રજવાડા સમયમાં સ્ટીમ એન્જીનથી શરૂ થયેલી રેલ સેવા સ્ટીમ એન્જિનનું સ્થાન ડિઝલ એન્જિને લેતા બિનઉપયોગી થઇ હતી.એકતાનગર – અમદાવાદ સાપ્તાહિક સ્ટીમ હેરિટેજ ટ્રેનમાં મોટર કોચ સ્ટીમ એન્જીન તરીકે ડિઝાઇન કરાયો છે. AC રેસ્ટોરન્ટ ડાઇનિંગ કારમાં 28 યાત્રી ભોજન માણી શકે છે. ટ્રેનના કોચ, સીટ, વિન્ડો, ઇન્ટિરિયરને હેરિટેજ સાથે આધુનિક ટચ અપાયો છે.

સુરતમાં સર્જાઈ કરૂણાંતિકા: દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં પિતાનું સુસાઈડ

દાતાઓના શહેર સુરતમાંથી એક કરૂણ ઘટનાની જાણકારી સામે આવી રહી છે. જેમાં એક પિતાએ પુત્રીનાં લગ્ન પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વ્હાલસોઈપુત્રીના લગ્નના 15 દિવસ પહેલા જ પિતાએ અચાનક મોતને વ્હાલુ કરતા લગ્નના અરમાનો સજતી કન્યા સહિત સમગ્ર પરિવાર હીબકે ચઢ્યો હતો.

અત્રે ઉલ્લેખનીયા છે કે સુરતમાં છેલ્લા થોડા સમયથી સુસાઈડની ઘટનાઓમાં ઘણો વધારો જોવાયો છે. જેમાં હજુ થોડા દિવસો પહેલા જ એક જ પરિવારનાં સાત સભ્યોએ આર્થિક સંકડામણમાં સામુહિક આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં આજે વધુ એક મજબુર પિતાએ દીકરીનાં લગ્ન માટે પૈસાની સગવડ ન કરી શકતા જીવન લીલા સંકેલી હતી.

ભરૂચની DPS સ્કૂલના ડાન્સ અને આર્ટ શિક્ષકે ઘો.7ની વિધાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં : થઈ ધરપકડ

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલનો આર્ટ અને ડાન્સ શિક્ષક ધોરણ 5, 6 અને 7 માની વિધાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી છે.

અલકનંદા સોસાયટીમાં રહેતો 33 વર્ષીય ધ્રુવીલકુમાર બાબુભાઇ પટેલ DPS શાળામાં બાળકોને ડાન્સ અને આર્ટ્સ શીખવતો હતો. જોકે શિક્ષણ જગતને લજાવનાર આ લંપટ અપરણિત શિક્ષક છાત્રાઓને શારીરિક અડપલાં કરતો હતો.

ભરૂચ જિલ્લામાં આવેલ એક મોટા ઉધોગગૃહમાં કામ કરતા ઉચ્ચ અધિકારીની 7 માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સાથે આ શિક્ષક જાતીય સતામણી કરતો હોવાનું માલુમ પડતા તેઓ સમસમી ઉઠ્યા હતા.DPS સ્કૂલમાં આ ઉચ્ચ અધિકારીએ વાલી તરીકે ફરિયાદ કરતા સંચાલકોએ પોતાની સ્કૂલની પ્રતિષ્ઠા સાચવવા તેનું માફીનામું લખાવી શાળામાંથી હકાલપટ્ટી કરી દીધી હતી.

એક જાગૃત વાલી તરીકે આવા સમાજ  અને દીકરીઓ માટે ઘાતક શિક્ષકને પાઠ ભણાવવા તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર શેક્ષણિક અલમમાં દાખલો બેસાડવા અને અન્ય વાલીઓ પણ આવા પાશવી તત્વોને ખુલ્લા પાડે તેવા આશયથી ઉચ્ચ અધિકારીએ તેમની દીકરી સાથે થયેલી છેડછાડ અન્ય કોઈની દીકરી સાથે ન થાય તે માટે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.સી ડિવિઝન PI હસમુખ ગોહિલે પણ ત્વરિત કાર્યવાહી કરી લંપટ શિક્ષક ધ્રુવીલ પટેલની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. આ શિક્ષકના મોબાઇલમાંથી અન્ય છાત્રાઓના પણ અશ્લીલ ફોટા અને કેટલાક પોર્ન વિડીયો મળી આવ્યા છે.

૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય એકતા દિવસ’ દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ, ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો પરેડ કાર્યક્રમ યોજાય છે તેમ હવે ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમના સમન્વય થકી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા ૨૫ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્વપૂર્ણ ૨૫ વર્ષ છે. આ ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિકતા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને દેશના સમૃદ્ધ વારસાનું જતન પણ કરી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું કે, આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ. શ્રી મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે, પ્રવર્તમાન અનેક વૈશ્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ગર્વ છે કે આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. ગર્વ છે કે ભારત દેશ ચંદ્રની એ ધરી પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી કોઈ દેશ હજુ પહોંચી શક્યો નથી. ગર્વ છે કે આત્મનિર્ભર ભારતમાં તેજસ ફાઇટર એરક્રાફટ અને ભારતીય નૌ સેના માટે વિક્રાંત પણ પોતાના દેશમાં તૈયાર થયુ છે. ગર્વ છે કે સ્પોર્ટ્સથી માંડીને વિશ્વમાં ટોચના સ્થાન પર ભારતીય છે.
તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ભારતના સંકલ્પની તાકાત, સૌ ભારતીયોની હિંમત-પ્રખરતા તેમજ ભારતીય નાગરિકોની જીજીવિષાને આદર અને વિશ્વાસથી જોઈ રહ્યું છે. એટલું જ નહિ, ભારતની અતુલ્ય અને અજોડ યાત્રામાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા લઈ રહ્યું છે.
સરદાર સરોવર ડેમનું કામ પણ છ દશકાથી અટક્યું હતુ પરંતુ સૌના પ્રયાસથી આ કાર્ય પણ આપણે પૂર્ણ કર્યુ છે. છેલ્લા ૧૫ વર્ષ પહેલા કોઈએ પણ વિચાર્યું નહતુ કે એકતાનગરનો આવો વિકાસ થશે. સંકલ્પથી સિધ્ધિનું સૌથી મોટુ ઉદાહરણ એકતાનગર છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.
દેશની જનશક્તિના પુરુષાર્થથી દેશ અને દુનિયામાં ભારતનો વિશ્વાસ વધ્યો છે એમ કહેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉમેર્યું કે, કોરોના અને તે બાદ વૈશ્વિક અસ્થિરતામાં પણ ભારત દેશ સતત પ્રગતિ કરતો રહ્યો છે. વિશ્વના અનેક દેશો બેરોજગારી તથા મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતે જન શક્તિના સખત અને સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કર્યા છે અને સમગ્ર વિશ્વમાં પરચમ લહેરાવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫ કરોડ ગરીબો ઘટ્યા છે, તેની ભૂમિકા આપતા મોદીએ કહ્યું કે, ભારતને પ્રગતિ – સમૃદ્ધિના માર્ગ ઉપર અહર્નિશ આગળ વધી રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓના પરિશ્રમ અને પ્રયત્નથી આ મહાકાર્ય થઈ રહ્યું છે. હવે આ સ્થિરતા ઉપર આંચ ના આવવી જોઈએ. તો જ આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશુ.
કોઈએ એવું કામ ના કરવું જોઈએ, જેથી દેશની એકતા અને અખંડિતતા ઉપર આંચ આવે, એવી શીખ આપતા વડાપ્રધાને જણાવ્યું કે, આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આપણા જવાનો, સૈનિકો પોતાનું સર્વસ્વ ખપાવી રહ્યા છે. હવે આપણે દેશની એકતા બરકરાર રાખવાની છે.
૩૭૦ કલમની દીવાલ તૂટ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદના ઓછાયા ઓછા થયા છે, એમ કહેતા શ્રી મોદીએ કહ્યું કે, કાશ્મીરીઓ હવે વિકાસના મુખ્ય પ્રવાહમાં આવ્યા છે. ભારત ખરા અર્થમાં એક બન્યું છે. આ બાબતે સરદાર સાહેબ જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ આપતા હશે.
એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ તથા આકર્ષણની માહિતી આપતા તેમણે કહ્યું કે, એકતાનગર હવે ગ્લોબલ ગ્રીન વિલેજ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે. સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીના અવસરો ઊભા થયા છે. અહીં આવીએ એટલે પ્રકૃતિને અનુરૂપ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળે છે. મિશન લાઇફ માટે એકતાનગર વિચાર ઉદ્દીપક કેન્દ્ર છે. છેલ્લા છ માસમાં દોઢ લાખ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય થયું છે.
રાષ્ટ્રીય એકતાનું ગૌરવ ગાન કરતા મોદીએ જણાવ્યું કે, દેશના યુવાનો અને જાંબજોનો ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની સૌથી મોટી તાકાત છે. આજે અહીં એક તરફ લઘુ ભારતનું દર્શન થઇ રહ્યું છે. રાજ્ય, ભાષા, પરંપરા અલગ પરંતુ અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ એકતાની મજબૂત દોરથી જોડાયેલો છે.
સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમા માત્ર પ્રતિમા નહી પણ તેમના જીવન અને એક ભારતના નિર્માણમાં તેમના યોગદાન થકી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ઝાંખી કરાવે છે. તેનાં નિર્માણમાં દેશભરના ખેડૂતોએ લોખંડ અને એકતા દીવાલ માટે માટી આપીને પોતાનું યોગદાન આપ્યું તે સતત પ્રેરણા આપે છે.
વડાપ્રધાને ઉમેર્યુ કે, છેલ્લા નવ વર્ષમાં ભારતે નીતિ નિર્ધારણના સખત અમલ અને બદલાવના પરિણામે સાધેલ વિકાસ માટે પ્રત્યેક ભારતવાસીઓમાં જે વિશ્વાસ બન્યો છે એ આત્મવિશ્વાસ કાયમ બની રહે અને ભારત આગળ વધતો જ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા સૌ દેશવાસીઓને તેમણે અપીલ કરી હતી.
વડાપ્રધાનએ કહ્યું કે, દેશવાસીઓને સરદાર સાહેબના જીવન કવન અને તેમના ગુણોથી જાણકારી મળે એ માટે સરદાર કવીઝનું આયોજન થઈ રહ્યું છે એમાં સૌ લોકો સહભાગી બને એ જરૂરી છે. આવનારી પેઢીને સરદાર સાહેબના એકતાના મંત્રને ચરિતાર્થ કરવા માટેનો વારસો આપવા માટે સૌ એ સહિયારા પ્રયાસો કરવા રાષ્ટ્રીય એકતા દિને સંકલ્પબધ્ધ બનવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, દેશના વિકાસમાં તૃષ્ટિકરણની રાજનીતિ બાધારૂપ બની રહી છે. તૃષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને આતંકવાદની ભયાનકતા, વિકરાળતા દેખાતી નથી. માનવજાતના દુશ્મનો સાથે ઊભા રહેવામાં તેમને સહેજ પણ સંકોચ નથી. આવા લોકો આતંકવાદીઓ અને દેશ વિરોધી તત્વોને બચાવવાના પ્રયાસો અદાલતો સુધી કરી ચૂક્યાં છે જેનાથી દેશ કે સમાજનું કદી ભલું થવાનું નથી. આવા લોકો દેશની એકતાને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે દેશવાસીઓએ આવા તત્વોથી સાવધાન રહેવાનું છે.
દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે તેમ જણાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની રાજનીતિ કરી રહ્યાં છે. દેશ સામેના આ પડકાર સામે દેશની જનતા જનાર્દનની ભૂમિકા મહત્વની છે. આવો લોકોથી સચેત રહેવાની જરૂર છે.
મોદીએ ઉમેર્યું કે, વિકસિત ભારતનું લક્ષ હાંસલ કરવા અને દેશની એકતા બનાવી રાખવા દેશવાસીઓએ અગ્રેસર રહી દેશની એકતાને સાકાર કરવા નિરંતર યોગદાન આપી ભાવિ પેઢીને બહેતર ભવિષ્ય આપવાનો આ એક જ ઉત્તમ માર્ગ છે જે સરદાર સાહેબની એકમાત્ર અપેક્ષા હતી.
મોદીએ જણાવ્યું કે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ દેશની આંતરિક સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેતા હતા. છેલ્લા નવ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને સુરક્ષા દળોએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી કામયાબ થવા દીધા નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દેશવાસીઓએ ભીડભાડવાળા સ્થળો, તહેવારો, જાહેર સ્થળો અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્રોને નિશાના બનાવી દેશના વિકાસને રોકવાના પ્રયાસો થતાં જોયા છે અને તે સમયની સરકારો પણ તપાસમાં સુસ્તી દાખવતી હતી. હવે આપને દેશને આ દોરમાં જવા દેવાનો નથી. દેશની એકતા પર હુમલા કરનારા તત્વોથી દેશવાસીઓને સતર્ક રહેવા તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉમેર્યું કે, આજનું ભારત નવું ભારત છે, દરેક ભારતવાસી આત્મવિશ્વાસથી ભરેલા છે, ત્યારે આ આત્મવિશ્વાસ, આ ભાવ કાયમ બની રહે અને દેશ આગળ વધે તે માટે રાષ્ટ્રીય એકતા દિવસના આ રાષ્ટ્ર ઉત્સવને પૂરા ઉત્સાહથી મનાવી જીવનમાં એકતાના મંત્રને ચરિતાર્થ કરી રાષ્ટ્રની એકતા માટે જીવનને સમર્પિત કરવા તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને ૧૪૦ દેશવાસીઓ વતી સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી. એકતા દિવસના શપથ લેવડાવી વડાપ્રધાને રૂ.૧૯૬ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ કેવડિયા થી અમદાવાદ સુધી ચાલનાર હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને આરંભ ૫.૦ અંતર્ગત ૯૮માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
દેશના છેવાડાના ગામડા – કસબાઓ કે જેને હવે સમાંતર વિકાસના વિઝન સાથે દેશના પ્રથમ ગામડા તરીકેની ઓળખ આપી વિકાસયાત્રામાં જોડવામાં આવ્યા છે તેવા ગામડાઓમાંથી આવેલા સ્થાનિકો દ્વારા એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોતાની આગવી સંસ્કૃતિને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.એકતા અને અખંડિતતાનું પ્રતિક એવા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ઉપર સેનાના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં સી.આર.પી.એફ,આસામ,આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ,મહારાષ્ટ્ર પોલીસ, BSF, NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત શ્રીનગર, સિલોંગ, કન્યાકુમારીથી એકતાનગર મોટર સાયકલ પર પહોચેલી સી.આર. પી.એફની મહિલા ડેર ડેવીલ્સ યશસ્વીનીએ માતૃભૂમિ પ્રત્યે જયઘોષ કર્યો હતો.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત ભારત ચીન સરહદના દેશના પાંચ રાજ્યોના પાંચ વાયબ્રન્ટ વિલેજના ૧૦૦થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના ૩૦ નૃત્યદળોના ૪૦૦ ઉપરાંત કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ કરાવી હતી. ભારતીય વાયુદળની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા રજૂ કરાયેલ હવાઈ કરતબોએ લોકોમાં અનોખો રોમાંચ જગાવ્યો હતો.

ભરૂચ દશાલાડ પરિવાર મંડળ દ્વારા ગરબા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો.

જૂના ભરૂચ સ્થીત સમસ્ત દશાલાડ જ્ઞાતિ પંચ વાડી ખાતે દશાલાડ પરિવાર મંડળ આયોજીત મહા આરતી તેમજ ગરબા અને પ્રસાદીનો કાર્યક્રમ તા.૨૩-૧૦-૨૦૨૩ના રોજ યોજાયો હતો.

દશાલાડ પરિવાર મંડળ કમિટિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્ર નિમિત્તે નવમાં નોરતે દશાલાડ જ્ઞાતિ પંચની વાડી નવાદહેરા ખાતે માતાજીના ગરબા,મહા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દશાલાડ પરિવાર મંડળના સભ્યો દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

ભરૂચ માં વસતા દશાલાડ વણીક જ્ઞાતીજનો દ્વારા સંગીતના સથવારે ગરબે ઘૂમી તથા માતાજીની સમુહમાં આરતી,સ્તુતી કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દશાલાડ પરિવાર મંડળના સેક્રેટરી ચંન્દ્રેશ શાહ,ખજાનચી સાગર કાપડીયા સહિત કમિટી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર, 4ના મોત

ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ થયો છે. કારમાં સવાર લોકો પૈકી 4 ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનામાં કારના પતરાં ચીરી કારમાં સવાર મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગતમોડી રાત્રે ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. ગમખ્વાર અકસ્માતમાં બેદરકારીની ભીતિ સેવાય રહી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ થયો છે. કારમાં સવાર લોકો પૈકી 4 ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનામાં કારના પતરાં ચીરી કારમાં સવાર મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સ માં અને શોરૂમ માં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામે થી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ.

આ ચારેવ મૃતક સૂડી ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો. જેમાં એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એકના એક સંતાન હોવાની માહિતી સાંપડી છે. જેને પગલે ચારેય પરિવાર ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બેદરકારીની ભીતિ સેવાય રહી છે. અકસ્માતમાં મરણ જનાર યુવક ઓળખાણમાં મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન, સાકીર યુસુફ પટેલ, ઓસામા રહેમાન પટેલ અને મહંમદ મકસુદ પટેલ હોવાની બાતમી મળી છે. આ ઘટના અંગે પોલીસ તપાસ શરૂ છે. તથા કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

ભાજપના સાંસદે સ્વીકાર્યું નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે.

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં દારૂનો ધિકતો ધંધો ચાલે છે અને LCB ₹35 લાખનો હપ્તો લે છે. હવે સાંસદના આ નિવેદનથી નર્મદા પોલીસ સાથે BJP માં પણ હલચલ મચી ગઇ છે.ભાજપના કાર્યકર અને મોટા બુટલેગર એવા દિનેશ વસાવાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે. ચિત્રોલ ગામે વર્ષો પહેલા કરોડોનો દારૂ પકડાયો હતો.

નર્મદા જિલ્લામાં ઠેર ઠેર દારૂનો વેપલો ચાલે છે. જેમાં વડાપ્રધાનના સમૃદ્ધ ભારત અને યુવા ભારતના સ્વપ્નનું પતન થઈ રહ્યું છે. એક ધારાસભ્ય લોકોને દારૂ પીવડાવી આખી રાત પાર્ટીઓ કરાવે છે. હું તો બોલીશ જ મને કોઈ ચમરબંધી નડતી નથી.સાંસદના નિવેદન બાદ દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપી ભાજપ MP એ નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે જે સ્વિકાર્યું તેને સમર્થન આપ્યું છે. સાથે જ સરકાર અને પોલીસ તેને રોકવામાં સંદતર નિષ્ફળ ગયા છે તે હકીકત બદલ પણ સાંસદને અભિનંદન આપ્યા છે.

AP ધારાસભ્યએ કહ્યું છે કે, જો ભાજપ સરકાર અને પોલીસ નર્મદામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ અને જુગારના ધંધાને બંધ નહિ કરાવે તો તેઓ લોકોને સાથે રાખી આગામી સમયમાં જનતા રેઇડ કરશે.બીજી તરફ નર્મદા પોલીસ ઉપર સાંસદ અને ધારાસભ્યે હપ્તા લેવાના કરાયેલા આક્ષેપો સંદર્ભે જિલ્લા પોલીસ વડા SP પ્રશાંત સુંબે તેમજ LCB પી.આઈ. જગદીશ ખાંભલાને કોલ કરતા તેઓ સાથે વાત નહિ થઈ શકતા NARMADA POLICE નું નિવેદન જાણી શકાયું નથી.

ભરૂચ-દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી: 15 કર્મચારીઓને ઈજા

દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બયુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાની ટળી હતી. તેમજ એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF Limited કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ નજીક દહેજ હાઇવેપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

બેકાબુ બનેલ આ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં ૫૦ જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢયા હતા.

કર્મચારીઓને કંપનીમાં લઈ જતી બસના અકસ્માતનું કારણ જાણવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના ખરાબ રસ્તા, બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણે સર્જાઈ છે તેની હકીકત હજુ સામે આવી નથી. ભરૂચ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તો સહીત બસમાં સવાર અન્ય મુસાફરોના નિવેદન લઈ હાલમાં તો તપાસ શરૂ કરી છે.

શું ભરૂચ જિલ્લામાં નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે ?

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે ગરબા રમતા યુવક-યુવતીઓમાં કાર્ડિયાક એટેકથી મોત થતા તંત્ર દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટનાં બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્ર તેમજ ગરબા આયોજકો દ્વારા આગોતરૂ આયોજન કરાશે કે કેમ જેવા અનેક સવાલો જનમાનસ પટ પર છવાઇ રહ્યા છે.

તાજેતરમાં જ ૧૦૮ ઇમરજન્સી સેવાને રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળ્યા છે. તે મુજબ કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ અને નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે તો શું તંત્ર દ્વારા ભરૂચમાં આગામી નવરાત્રીને ધ્યાને રાખી પ્રજાહિતના નિર્ણય લઈ ૧૦૮ સહિત સિવિલની ટીમને તૈનાત કરાશે કે કેમ એ તો આવનાર નવરાત્રી જ બતાવશે.

error: Content is protected !!