દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બયુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાની ટળી હતી. તેમજ એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF Limited કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ નજીક દહેજ હાઇવેપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

બેકાબુ બનેલ આ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં ૫૦ જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢયા હતા.

કર્મચારીઓને કંપનીમાં લઈ જતી બસના અકસ્માતનું કારણ જાણવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના ખરાબ રસ્તા, બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણે સર્જાઈ છે તેની હકીકત હજુ સામે આવી નથી. ભરૂચ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તો સહીત બસમાં સવાર અન્ય મુસાફરોના નિવેદન લઈ હાલમાં તો તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here