વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી માનસિંગ ડોડીયાના ફાર્મહાઉસ ઉપર સંગઠનની બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ હાજરી આપી હોવાની પોલીસને માહિતી મળી હતી.
ગણેશ સુગરના ઉચાપત કૌભાંડમાં સંદીપ માંગરોલાને જિલ્લામાંથી તડીપાર રહેવાના શરતી જમીન મળ્યા હતા. આવા સમયે તેઓની એન્ટ્રીની વિગત મળતા ખાનગી બે ગાડીમાં વાલિયા પોલીસ ફાર્મ હાઉસ ઉપર ત્રાટકી હતી. ફાર્મ હાઉસ અને તેના દરેક રૂમમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે સંદીપ માંગરોલા મળી આવ્યા ન હતા.
વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીના ફાર્મહાઉસ ઉપર જિલ્લામાંથી તડીપાર કરાયેલા સંદીપ માંગરોલાની હાજરીને લઇ પોલીસે સર્ચ કરતા કોંગી આગેવાનો પોલીસ સામે રસ્તા ઉપર ધરણાં ઉપર બેસી ગયા હતા.
બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, માનસિંગ ડોડીયા, વાલિયા પ્રમુખ ફતેસિંહ, જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલાએ પોલીસની આ વર્તણૂકને પ્રજાની રક્ષક નહિ પણ પક્ષક ગણાવી હતી.પોલીસની આવી કામગીરીના વિરોધમાં જિલ્લા પ્રમુખ સહિત કોંગી આગેવાનો પોલીસ ગાડીની આગળ જ રસ્તા ઉપર ધરણાં ઉપર બેસી જઈ પોલીસ રાજકીય ઈશારે કામગીરી કરી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.