તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રહાડપોર ગ્રામપંચાયતની મત ગણતરીમાં રિકાઉંટિંગની માંગણી રદ કરાતા વિવાદ ઉભો થયા બાદ ગ્રામજનોએ આજ રોજ ગ્રામજનોએ સરપંચના મતોના રિકાઉંટિંગ માટેની માંગ સાથે કલેક્ટરમાં ફરિયાદ કરતા ચૂંટણીનો મુદ્દો વધુ ગરમાયો છે. જે તોફાની બને તેવા એંધાણ પણ ઉભા થયા છે.
રહાડપોરના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આપેલ ફરિયાદ મુજબ મત ગણતરી દરમ્યાન ચૂંટણી અધિકારીએ સરપંચના ઉમેદવાર મુમતાજબેનને ૬૦ મતોથી વિજેતા જાહેર કર્યા હતા. જોકે ૧૦ મિનિટ બાદ ચૂંટણી અધિકારી મુમતાઝબેનના સ્થાને મુનિરાબેનને ૪૦ મતોથી વિજેતા જાહેર કર્યા હતા. જેના પગલે વિવાદ છેડાયો હતો. મુમતાજ બેન સહિત હારેલા ત્રણ ઉમેદવારોએ રિકાઉંટિંગની માંગણી કરી હતી. જોકે ચૂંટણી અધિકારીએ માંગણી ફગાવી દઈ હારેલા ઉમેદવારોને પોલીસ પાસે ધક્કા મારી બહાર નીકળી જવા મજબુર કર્યા હતા.
જેના કારણે સરપંચના હારેલા ઉમેદવારો સહિત ગ્રામજનોમાં રોષ ઉભો થયો હતો. જેમાં શુક્રવારના રોજ ગરમાયેલા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી સરપંચના ઉમેદવારોના મતોનું રિકાઉંટિંગ કરવાની માંગ ઉઠાવી છે. સાથે પંચાયતના છેલ્લા પાંચ વર્ષોના હિસાબોની તપાસ કરવાની પણ માંગ ઉઠાવી છે. જો રિકાઉંટિંગ ન મળે તો ગ્રામજનો સરપંચ હોદ્દો ગ્રહણ કરે તે દરમ્યાન પ્રચંડ વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.