The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 156

દયાદરાની ગુલિસ્તા બોરડીવાલા રાજ્ય કક્ષા ની પુસ્તક વાચક સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ભરૂચ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૧૧ ના છાત્રો ની “પુસ્તક વાચક સ્પર્ધા” યોજવામાં આવી હતી.જેમાં ભરૂચ તાલુકાના દયાદરા ગામની કન્યા શાળા ની વિદ્યાર્થીની પટેલ ગુલિસ્તાંબાનું હબીબ બોરડીવાલા એ સમગ્ર ભરૂચ જિલ્લામાં ધોરણ-૬ ની પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી દયાદરા કન્યા શાળા સહિત દયાદરા ગામનું ગૌરવ વધાર્યું છે.

અત્રે નોંધનીય છે કે આગામી સમયમાં ધો-૬ ની રાજ્યકક્ષાએ યોજાનાર વાંચન સ્પર્ધામાં સમગ્ર ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ પટેલ ગુલિસ્તાંબાનું બોરડીવાલા કરશે.ગુલિસ્તાંબાનું ની સિદ્ધિ ને દયાદરા કન્યાશાળા પરિવાર,એસ.એમ.સી.પરિવાર તેમજ ભરૂચ કલેકટરે બિરદાવી રાજ્ય કક્ષાએ પણ ગુલિસ્તાં જલવંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમા પધારેલા દેશવિદેશના મહાનુભાવોનુ રાજ્ય સરકાર વતી સ્વાગત કર્યુ હતુ.

ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યપાલે આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે, દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ નામદાર રાજ્યપાલે ઉમેર્યુ હતુ.

ગુજરાતની તમામ સરકારોએ વિશેષ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમા વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલે આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો.

પ્રાકૃતિક પ્રવાસન સ્થળોના સર્વાંગિણ વિકાસની સાથે સાથે દર્શનિય યાત્રાધામો ખાતે આવતા સહેલાણીઓ માટે પાયાકિય સુવિધાઓનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકતા રાજ્યપાલે, પ્રાકૃતિક સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લાના ધાર્મિક/ઐતિહાસિક સ્થળોને કારણે અહી પ્રવાસન પ્રવૃત્તિના વધી રહેલા વ્યાપને કારણે, ડાંગ જિલ્લો વિકાસની નવી ઊંચાઇને આંબી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ.

સમાજના તમામ સમુદાયોને વિકાસની મુખ્યધારામા જોડવા બદલ રાજ્ય સરકાર, અને જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવતા રાજ્યપાલે સૌને સાથે મળીને, ડાંગ જિલ્લાના પ્રજાજનોના સર્વાંગિણ વિકાસ માટે સહયોગી બનવાની અપીલ કરી હતી.ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજ્યપાલના હસ્તે માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરી હતી.

સોમવારે ગુજરાતના કવાંટ અને મધ્ય પ્રદેશમાં બે સ્થળે ભરાશે ભંગોરિયાના હોળી મેળાઓ

  • હકડેઠઠ્ઠ માનવ મહેરામણ ઉમટશે

પંખી, નદીયાં પવન કે ઝોંકે..કોઈ સરહદના ઇન્હેં રોકેં… જો કે સરહદની આ અદ્રશ્ય રેખાઓ લોક સમુદાયોની બોલી,સંસ્કૃતિ, પરંપરાઓ,વિધિવિધાનો,તહેવારો,ઉત્સવો, મેળાઓ,સંગીત,નૃત્ય અને ગીતો,પહેરવેશ અને આભૂષણો ને જુદાં પાડી શકતી નથી.

જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર,ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારો ના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે.આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભગુરિયાના નામે ઓળખાતા  હોળી પહેલાના સાપ્તાહિક હાટ,હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓ નો સમાવેશ થાય છે.

આવતીકાલ સોમવારના રોજ ગુજરાતના કવાંટ ની સાથે મધ્ય પ્રદેશના અલીરાજપુર અને ભાભરા ( વીર ચંદ્રશેખર આઝાદનું જન્મ સ્થળ) ખાતે સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને વાંહળી ના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતા હોળી મેળાઓ ભરાવાના છે. દશેરાના મેળા પછી પિહવા વગાડવાનું બંધ કરીને વાંહળી વગાડવામાં આવે છે. દિવાસા થી પીહવા અને અખાત્રીજ થી ઘાઘરી નામનું વાદ્ય વગાડવા માં આવે છે.

કવાંટનું ભંગોરિયું અને હોળીના ધુળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે જેનું શ્રેય એક સમયે આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિઓ થી ધમધમતા રંગપુર( કવાંટ) ના આનંદ નિકેતન આશ્રમ ને જાય છે જેને લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા.સૂત્રો પાસે થી મળતી જાણકારી પ્રમાણે આ વર્ષે ભંગોરિયા ના હોળી હાટો ની શરૂઆત ૧૧ મી માર્ચ થી થઈ હતી અને તા.૧૭ મી માર્ચ સુધીમાં સરહદની બંને બાજુના ગામો/ નગરોમાં ૨૫ જેટલા ભંગોરિયા ભરાઈ રહ્યાં છે.

ભરૂચ: પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભરૂચ ખાતે ગુજરાત ભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજપૂત છાત્રાલય પ્રાંગણમાં લોક – જાગૃતિ લાવવાના હેતુસર રસોઈની કરામત દેખાડી હતી , જેમાં અલગ અલગ 20 સ્ટોલ 20 અંધ બહેનોએ અલગ અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ભરૂચ જીલ્લા શાખા, દ્વારા ભરૂચ અને નર્મદા જીલ્લા અંધ તેમજ અન્ય દીવ્યાંગોના શિક્ષણ, તાલીમ અને રોજગારના કાર્યોમાં સમાજનો બોહળો વર્ગ જોડાઈ તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિઆએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું તક મળેતો દ્ર્ષ્ટી ક્ષતિ સહીત કોઈપણ દિવ્યાંગતા હોય તો પણ વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન અર્થપૂર્ણ રીતે સ્થાપિત કરી શકે છે. સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિઆએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પહેલા માનવ છે અને પછી દિવ્યાંગ છે. આપણી ખોટી માન્યતાઓ માંથી બહાર આવી આપણે તેમને શિક્ષણ, તાલીમ અને રોજગારની તક પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં જોડવા જોઈએ.

આ પ્રસંગે સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને સમાજ સેવિકા વાસંતીબેન દીવાનજીનું ગુજરાત રાજ્ય શાખા દ્વારા સન્માન તેમજ હીરાબા આંખની હોસ્પીટલ, બારેજાના ડૉ.ધર્મેન્દ્ર જૈનાનું ધૃસ્તી ક્ષતિ અટકાવવા માટે તેમના યોગદાન બદલ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . ભરૂચ શહેરના નગરસેવા સદનના પ્રમુખ અમિતભાઈ ચાવડા,અભેસિંહ રાઠોડ, એરીક શેઠના,અર્જુંનસિંહ રણા સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થીત રહી બહેનોએ બનાવેલ વ્યંજનોનો રસાસ્વાદ માણી ખુશી વ્યકત કરી હતી.

વડોદરા:હવે ખૂબ નાજુક ગણાતી સર્જરીઓ માટે અમદાવાદ નહીં જવું પડે

  • મગજ ચેતાતંત્ર અને કરોડરજ્જુ ની શસ્ત્રક્રિયાઓ ને સરળ બનાવતું ન્યૂરો સર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ ધારાસભ્ય અનુદાન વડે મળ્યું

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મધ્ય ગુજરાતની સૌ થી મોટી સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગને મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્રને લગતી ખૂબ જ સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ વધુ ચોકસાઈ અને સચોટતા સાથે કરવા માટે નિતાંત જરૂરી નવીન અને અતિ અદ્યતન ન્યૂરો સર્જીકલ ઓપરેટિંગ માઈક્રોસ્કોપ માટે વિધાયક અનુદાન ફાળવ્યું હતું.તેમાં થી વસાવવામાં આવેલા આ જીવન રક્ષક તબીબી ઉપકરણનું તેમણે આજે ઉપરોક્ત વિભાગની મુલાકાત લઈને લોકાર્પણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ન્યુરો સર્જરી વિભાગ પાસે ખૂબ જૂનું માઈક્રોસ્કોપ હતું જેના લીધે મગજ અને કરોડરજ્જુ ની જટિલ શસ્ત્રક્રિયાઓ અસંભવ બની ગઈ હતી અને રોગ પીડિતોને તેના માટે અમદાવાદ જવું પડતું.પરિણામે તેમને વધુ સમય અને નાણાં ખર્ચવાની હાલાકી પડતી.આ અદ્યતન માઈક્રોસ્કોપ ને લીધે હવે અમદાવાદના આંટાફેરા અટકશે.

અદ્યતન અને એડવાન્સ માઇક્રોસ્કોપ સર્જન માટે ત્રીજી આંખ સમાન ગણાય તેવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે યોગેશભાઈ પટેલના અનુદાન થી મળેલા આ તબીબી ઉપકરણ થી ન્યુરો સર્જરી વિભાગમાં વધુ સચોટ શસ્ત્રક્રિયાઓ થઈ શકશે.ખૂબ ચોકસાઈ, પ્રિસિઝન ( બારીકાઇ),અને મેગ્નીફિકેશન થી સર્જરીઓ થઈ શકશે જેના ખૂબ સારા પરિણામો મળશે.ધારાસભ્યએ આ માત્ર એક ઉપકરણ માટે ન્યૂરો સર્જરી વિભાગને સૌ થી મોટું અનુદાન ફાળવ્યું,તે માટે ડો.રંજને એમનો હાર્દિક આભાર માન્યો હતો.

ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા વહીવટી તૈયારીઓનો પ્રારંભ

  • રાજકીય તૈયારીઓ શરૂ થતાં વહીવટી તૈયારીનો પણ પ્રારંભ

ગુજરાતમાં એકતરફ વિધાનસભા ચૂંટણીની રાજકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વહીવટી તૈયારીઓનો પ્રારંભ પણ કરી દેવાયો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારી- કલેક્ટરોને ચૂંટણી ફરજ માટેના કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર કરવા સૂચના અપાઈ છે.

કલેક્ટરોને લખાયેલા પત્રમાં જણાવાયા મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકારના અધિકારી- કર્મચારીઓ, હોમગાર્ડ સહિતના પોલીસ કર્મચારીઓ, સરકારી વાહનો અને એસટી નિગમના વાહનોના ડ્રાઇવર- કંડક્ટર, ક્લીનર્સ તેમ જ ટ્રક, મિની બસ, બસ જેવા ખાનગી વાહનોના ડ્રાઇવર, કંડક્ટર, ક્લીનરની માહિતી મેળવી ડેટાબેઝ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વિકાસ કમિશનર, ડીડીઓ, મહાપાલિકા કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારીઓ, શિક્ષણ નિયામક, નગરપાલિકા કમિશનર તથા તમામ બોર્ડ નિગમોની કચેરીઓને પણ પત્ર લખીને તેમના સ્ટાફની વિગતો આપવા તેમ જ ચૂંટણી અધિકારી માગણી કરે ત્યારે ચૂંટણી ફરજ પર મોકલવા પત્ર લખવામાં આવ્યો છે.

ચૂંટણી ફરજ પર નીમવામાં આવનાર કર્મચારી મતદાર હોવા જોઈએ અને તે મતદાર ફોટો ઓળખપત્ર ધરાવતા હોવા જોઇએ. જો કોઇ કર્મચારી મતદાર ન હોય તો તેમનું યાદીમાં નામ નોંધવું. કર્મચારી નામ નોંધાવવા માટે ઉત્સાહ ન દર્શાવે તો પણ મતદાન સ્ટાફમાં નિમણૂક આપી શકશે. મતદાર યાદીમાં નામ ન નોંધાવવું તે ચૂંટણી ફરજ માટેનું બહાનું ન બની જાય તે જોવાનું રહેશે. મતદાન સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની અને રેન્ડમાઇઝેશનની કામગીરી માટે દરેક જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરને નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપવાની રહેશે.

ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ, ડોક્ટર- નર્સ, આયુષ વિભાગ સહિતના વિવિધ વિભાગોના સ્ટાફને ચૂંટણી ફરજ નહીં સોંપવા સૂચના અપાઇ છે. મતદાન સ્ટાફની વિગતો 31 મે સુધીમાં મેળવી 31 જુલાઈ સુધીમાં ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે. કર્મચારીઓની બદલી, નિવૃત્તિ તથા ભરતીના કિસ્સામાં ડેટાબેઝ અપડેટ કરવાનો રહેશે.

ભરૂચ:રૂકમણિ દેવી રૂંગટા વિદ્યાલય ખાતે ધો.૧૦ના વિદ્યર્થીનોનો વિદાય સમારંભ યોજાયો

“પળ માં મિલન તો પળ માં જુદાઈ છે,વસમી લાગે છે આજની વિદાય,કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.”   પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી જ પડે છે.

આજ રોજ રૂકમણિ દેવી રૂંગટા વિદ્યાલયના સંસ્કાર ભારતી હોલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના અચાર્ય, શિક્ષકો સહિત બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાયૅકમ ની શરૂઆત પ્રાથૅનાથી કરવામાં આવી હતી. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક નવીનભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા ભાજપ રમતગમત સેલના સહ કન્વીનર પ્રશાંતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે આવ્યા, તેમજ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ના બંન્નેવ વિદ્યાલયના એડ્મિનિસ્ટ્રેટીવ કુલવંત મારવાલ પણ ઊપસિથત રહયા હતા. શાળા ના આચાર્ય સુરેશભાઇએ ધોરણ 10 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.

ભરૂચમાં જીલ્લા ન્યાયાલય તથા તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઈ.ચા. ચેરમેન અને ભરૂચનાં જિલ્લા ઈ.ચા. મુખ્ય ન્યાયાધિશ એમ.એસ.સોનીના માર્ગદર્શન હેઠળ તેમજ એ.એસ. પાંડે, ઈં.ચા. સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ જિલ્લા ન્યાયલય સંકુલ, ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ.વોરાના વરદહસ્તે દિપ પ્રાગટય કરી આ લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે નવનિયુક્ત ન્યાયીક અધિકારી રવીકુમાર પરમાર દ્વારા લોક અદાલતનાં મહત્વ અને તેના લાભ વિષે પોતાનું વકતવ્ય રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ.વોરાના ડીસ્ટ્રીકટ કોર્ટ, ભરૂચ મુખ્ય મથકમાં આવેલ તમામ કોર્ટો, પ્રિલીટીગેશન માટે આવેલ તમામ સંસ્થાઓ, લેબર કોર્ટ તથા ફેમીલી કોર્ટની મુલાકાત લઈ તેઓએ જાતે રસ લઈ એક ફેમીલી કોર્ટ કેસના પક્ષકારોને સમાધાનની વાતચીત કરી સમજાવેલ હતા. આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીઓ, સરકારી વકીલો સહિત ભરૂચ વકીલ બારનાં હોદ્દેદારો સહિત વકીલો અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી.

આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, લેબર તકરારના કૈસો, વિજળીના તથા પાણીને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન વળત૨ના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તીના લાભોને લગતા કેસો, મહેસુલના કૈસો, ખોરાકીના કૈસો, અન્ય સીવીલ કેસો, પ્રિ–લીટીગેશન તથા સ્પેશીયલ સીટીગસ ઓફ મેજીસ્ટ્રેસ સહિત કુલ-૧૩૨૦૮ કેસોનો નિકાલ માટે મુકાયા હતા.

 

દેડીયાપાડા : ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા

દેડીયાપાડાના તીલકવડા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આઇસર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરી તિલકવાડા તરફ આવે છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ચિત્રાખાડી-તિલકવાડા રોડ ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક આઇસર ટેમ્પો ચિત્રાખાડી તરફ થી આવતા તેને રોકી ચેક કરતા પાછળના ભાગે ખેરન લાકડનો જ્થ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે આઇસર ડ્રાઈવર નરેન્દ્રસિંહ તખતસિંહ કોઠિયા ઉ.વ.૩૫ રહે બુજેઠા નવી નગરી તા. તિલકવાડા જી. નર્મદા અને ભયજીભાઇ જીણાભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે. માથાસર તા. ડેડીયાપાડા જી.નર્મદાની અટકાયત કરી આઇસર ટેમ્પામાં ચેક કરતા તેમા પાછળ ભાગે આશરે ૧૫૦ મણ જેટલા ખેરના લાકડા હતા. જેની આશરે કી.રૂ.૬૦,૦૦૦/- ગણી જે ખેરના લાકડાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહી હોવાનુ જણાવતા, જેથી આ આઇસર ટેમ્પા GJ-7-Z-8570ની કી.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તથા ખેરના લાકડા કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા ઝડપાયેલા બે ઇસમો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ રેંજ ફોરેસ્ટર અધિકારી કેવડીયાને આગળની કાર્યવાહી માટે સોંપ્યા હતા..

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે યોજાયો ઓરિએન્ટેશન કાર્યક્રમ

ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે  ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. આર.ડી.પંડયા ના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ હતી.ત્યારબાદ કૃષિ વિદ્યાલય ના ડો.ભટ્ટ દ્વારા શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ભરૂચ એગ્રીકલ્ચર કોલેજના પ્રાધ્યાપક ડૉ. પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ ના પાંચ લક્ષણો તેમજ ભરૂચ કૃષિ મહાવિદ્યાલય માં છાત્રો ને શૈક્ષણિક,રમત-ગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે રહેલ વિવિધ તકો વિશે સવિસ્તાર છણાવટ કરી હતી.જ્યારે ડો.એ.ડી.રાજે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી પૂરી પાડી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ના પ્રિન્સિપાલ ડો.ડી.ડી.પટેલે પોતાના લાક્ષણિક અંદાઝમાં પ્રેરણાદાયક પ્રવચન થકી છાત્રો નું નૈતિકતા,ચારિત્ર્ય અને પ્રામાણિકતા દ્વારા સર્વાંગિક વિકાસ કરવા આહવાહન કરાયું હતું. સાથે જ આ કોલેજ વિદ્યાર્થીઓ નું ઘડતર કરશે ની બાંહેધરી પણ આપી હતી.કાર્યક્રમ ના અધ્યક્ષ ડો.આર.ડી.પંડયા એ પ્રેરક સંબોધન થકી છાત્રો ને વિકાસ ની નવી કેડી કંડારવા રાહ ચીંધી હતી.

આ ક્ષણે કોલેજના સ્ટુડન્ટ હાર્દિક જીંજાલાએ પોતાનો કોલેજ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્રે ની કોલેજમાં જ્ઞાન અને સહકાર ની ભાવના ધરાવતા પ્રાધ્યાપકો હોવા સાથે હોસ્ટેલમાં પણ રહેવા તથા જમવાની સુચારુ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે.આ તબક્કે ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં સેમ ૧ માં અભ્યાસ કરતી કુ.સવદહ સૈયદે પોતાની અનોખી શૈલી માં કોલેજ પ્રત્યે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા સર્વે હાજર લોકો ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેણી એ કોલેજમાં પર્યાપ્ત માત્રામાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાની માહિતી પૂરી પાડી હતી.વધુમાં ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન નો ઉલ્લેખ કરી વિદ્યાર્થીનિઓ ની શારીરિક અને માનસિક કાળજી લેવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.ઉક્ત કાર્યક્રમ માં કુલ ૧૫૦ જેટલા છાત્રો તેમજ કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો.એસ.જી.પટેલે કર્યું હતું.

  • અમઝદ સૈયદ,ન્યુઝલાઇન,વાગરા
error: Content is protected !!