The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 134

સુરતમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર યોજાયો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરતના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ પુખ્ત વયના રમતવીરો માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’ યોજાયો હતો. જેમાં આયોજિત વિશેષ હેલ્થ કેમ્પમાં ૨૫૦૦ જેટલા માનસિક દિવ્યાંગ ખેલાડીઓની આરોગ્યની તપાસ કરી આઈ-કેર, ઓરલ હેલ્થ, બહેરાશપણું, પગની દિવ્યાંગતા, ફિટનેસ અને ન્યુટ્રીશન એમ છ કેટેગરીમાં સ્ક્રીનીંગ અને સારવાર કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલાએ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળે, ખેલક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી ‘રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન’ હેઠળ ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશના ૭૫ શહેરોમાં ૭૫,૦૦૦ ખેલાડીઓને ૭૫૦૦ નિષ્ણાંત તબીબો હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવી છે, ત્યારે દેશના ચુનીંદા કેન્દ્રોમાં સુરત શહેરનો સમાવેશ કરવા બદલ રમતગમત મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગ એ નથી જેનામાં શારીરિક અને માનસિક ક્ષતિ હોય, પરંતુ જેના મનમાં ખોટ હોય એ દિવ્યાંગ છે. અહીં ઉપસ્થિત દિવ્યાંગજનો અનોખી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્ય લઈને જન્મ્યા હોય છે, જેઓ પોતાની મર્યાદાને ઓળંગીને સ્વસ્થ અને સશક્ત વ્યક્તિની બરોબરી કરી રહ્યાં છે.

ધારાસભ્ય વિવેકભાઈ પટેલે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’ એ દિવ્યાંગજનો માટે સંવેદનશીલ પહેલ બની છે એમ જણાવતાં ઉમેર્યું કે, દેશના ૭૫૦ સ્પોર્ટ્સ સેન્ટરોમાં દિવ્યાંગ ખેલાડીઓનું કૌશલ્યવર્ધન કરી તાલીમ પણ આપવામાં આવી રહી છે, ત્યારે સુરતના બાળ અને પુખ્ત દિવ્યાંગજનોને પણ તેનો બહોળો લાભ મળ્યો છે.આ વેળાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને રબરગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરૂકીયાએ વિવિધ યોગમુદ્રાઓ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ, મહાદેવ ટ્રસ્ટના પ્રતિનિધિ અને ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ના સુરતના કો-ઓર્ડીનેટર કુસુમબેન દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી. પટેલ સહિત દિવ્યાંગ રમતવીરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ સાંસદે નર્મદા નદીમાં ઠલવાતા પ્રદૂષણ અંગે વડાપ્રધાનને પત્ર લખી કરી રજૂઆત

  • ગંગા અને યમુનાની જેમ નર્મદાને પણ શુદ્ધ રાખી તે નિરંતર વહે તેવું કાર્ય ઉપાડવા પત્ર લખ્યો

ભરૂચના સાંસદ MP મનસુખ વસાવાએ વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નર્મદા નદીમાં મધ્યપ્રદેશથી ગુજરાત સુધી ઠલવાતા પ્રદુષણ અને ઠેર ઠેર ગેરકાયદેસર ખનન વિશે રજૂઆત કરી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા, યુમના વગેરે નદીઓના શુદ્ધિકરણનું ભગીરથ અભિયાન ચલાવ્યું છે. ત્યારે નર્મદા નદી પણ ભારતની એક પ્રમુખ તેમજ પવિત્ર નદી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાતના ભરૂચમાં અરબી સમુદ્રને મળે છે. આજે નર્મદા નદીમાં ઉદગમથી લઈ સમુદ્ર સંગમ સ્થાન સુધી બંન્ને રાજ્યોમાંથી ઉદ્યોગો સહિતનું પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા નદીમાં ઠલવાતા પ્રદુષણને લઈ ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. લાખો લોકો રોજ નર્મદા સ્નાન કરે છે અને એકમાત્ર નદીની પરિક્રમા પણ. સાથે જ બંન્ને રાજ્યોમાં વહેતી નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનનને લઈ તેનો પ્રવાહ પણ બાધિત થઈ રહ્યો છે.

જેને લઈ માછીમારો અને ખેડૂતોને પણ આજીવિકા ઉપર અસર પડી રહી છે. નર્મદા નદી ઉપર બંધો (ડેમ)ની શૃંખલાને કારણે તેનો પ્રવાહ સંકોચાઈ ગયો છે. ક્યાંક નદીનો પટ સાંકડો તો ક્યાંક શુષ્ક થઈ ગયો છે. જેને ધ્યાને લઇ તાત્કાલિક અને નિરંતર ડેમો માંથી સતત પાણી છોડી નદીને જીવંત અને ખળખળ વહેતી રાખવા સાંસદે પત્ર મારફતે રજૂઆત કરી છે.

વાલીયાની ગોદરેજ કંપનીમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ નાઓ તરફથી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ. દરમ્યાન ગઇકાલ તા-૦૬/૦૪/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર  બી.એન.સગર નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી.ત્યારે ગત તા-૩૧/૦૩/૨૦૨૨ ના રોજ વાલીયા પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ હોય જેમા કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વાલીયા ખાતે આવેલ ગોદરેજ કંપનીના સ્ટોર રૂમમાંથી કંપનીના એસ.એસ. ના મટીરીયલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામા આવેલ અને સી.સી.ટી.વી ફુટેજ નો અભ્યાસ કરી મળી ફુટેજ આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ થી તપાસ કરતા હકીકત મળેલ કે, આ ચોરીના ગુનામા સંડોવાયેલ ચોર ઇસમ વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા ચોરી કરેલ મુદ્દામાલ સગે વગે કરવાની તૈયારીમા છે.

જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા તપાસ કરી ગોદેરેજ કંપનીમાંથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ  કિંમત રૂ.૪૫,૦૦૦/- સાથે એક આરોપી પિયુષ ઉર્ફે પ્રવિણ ઉર્ફે બાંડીયો ગોમાનભાઇ વસાવા રહે- કનેરાવ તા-વાલીયા જી-ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ધ્વારા આયોજીત આઈ.કે.ડી.આર.સી. – અમદાવાદ ધ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ૧૧ ડાયાલિસીસ સેન્ટરના ઈ-લોકાર્પણ સાથે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતેના ડાયાલિસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતિ નિમિષાબેન સુથારના વરદહસ્તે સંપન્ન થયું હતું.

આ પ્રસંગે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ ભાવના રામી, પ્રાંત અધિકારી આદર્શ રાજેન્દ્રનનની પ્રેરક ઉપસ્થિતિમાં ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ અને પુર્વ મંત્રી છત્રસિંહ મોરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જંબુસર સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ થતાં જંબુસર, આમોદ, વાગરા સહિત આજુબાજુના વિસ્તારની પ્રજાજનોને હવે ડાયાલિસીસ કરાવવા મોટા શહેરોમાં જવું નહિં પડે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં રાજ્ય સરકાર ધ્વારા અમલી આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી. પ્રારંભે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. એ.એ.લોહાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તકે સબડીસ્ટ્રીક હોસ્પિટલ જંબુસર ખાતે ત્રણ બેડ ધરાવતી ડાયાલિસીસ સેન્ટરનું મહાનુભાવો ધ્વારા રીબીન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી. સૌએ સેન્ટરનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ પાલિકા સદસ્યો પ્રભુદાસભાઈ મકવાણા અને તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર જયપાલસિંહ નીતિનભાઈ પટેલ  હરદીપસિંહ પરમાર પ્રમોદભાઈ રાઠોડ સહિત  પદાધિકારીઓ  ડાયાલિસિસ ટેકનીશીયન સૈફ મન્સુરી સહિત નર્સિંગ સ્ટાફ સરપંચો  અને નગજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાને વાગરાથી ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરાવ્યું પ્રસ્થાન(VIDEO)

દેશની આઝાદીના 75 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જાંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા.

દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશ માટે મોતને ગળે લગાનાર વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચે અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે.

ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જાંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે વાગરા ખાતે પહોંચતા ત્યાં રાત્રી નિવાસ કરાયો હતો. સવારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ યુવાભાજના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત તેમની ટીમના યુવાનોને બિરદાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. વાગરાથી શરૂ થયેલી યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઇ ભરૂચ પહોંચી હતી.

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું3

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી આયોજિત કેમ્પમાં ફિઝિકલ એક્ઝામિનેશન, આઈ ટેસ્ટિંગ, સ્કિન ટેસ્ટિંગ, ECG , બ્લડ રિપોર્ટ સહીતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્પર્શ ક્લિનિકના ડો.ચેતન મોરથાણા અને ડો.નિરાલી પ્રજાપતિ તેમજ તેમની ટીમના સહયોગથી યોજાયેલ કેમ્પનો લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલન ૧૫૦ જેટલા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે લાભ લીધો હતો

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી(VIDEO)

7 એપ્રિલ આખા વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં ૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ તેના 80 જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર 365 દિવસ માનવજીવન બચાવવા માટે હંમેશા તત્પર હોય છે એ પણ બાબત નોંધનીય છે કે હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે લોકોને બીમાર પડી રહ્યા છે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આજરોજ ભરૂચ જિલ્લામાં જા પણ ૧૦૮ ઈમરજન્સી સેવા મૂકવામાં આવી છે. તે તમામ જગ્યા ઉપર ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોનું બ્લડ પ્રેશર સુગર તેમજ બીજી કોઈ પણ તકલીફ હોય તે અંગેની આરોગ્ય ચકાસણી ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી.

ભરૂચ ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભાજપાનો સક્રિય કાર્યકર કાર્ડ વિતરણ કાર્યક્રમ

  • આગામી રણનીતિ અને ચૂંટણીને લઈ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષે વૅચ્યુલી માર્ગદર્શન આપ્યું

ભરૂચ જિલ્લા ભાજપના સક્રિય કાર્યકરોનું સંમેલન મંગળવારે સાંજે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે યોજાયું હતું. જેમાં ભાજપના સક્રિય કાર્યકરોને કાર્ડ વિતરણ કરવા સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે સજ્જ બનવા પણ હાકલ કરવામાં આવી હતી.ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે  ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલન અને કાર્ડ વિતરણમાં વિરાટ મેદની વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપ પરિવારની વિશાળ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કાર્યકરોને વૅચ્યુલી સંબોધન કરી આગામી રણનીતિ અને વિધાનસભા ચૂંટણી માટે સજ્જ થવા આહવાન કર્યું હતું.ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સભા ખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, ધારાસભ્ય અને ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, મંત્રી નિશાંત મોદી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

સચિન ગેસકાંડ મામલે ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ સામે નોંધાયો ગુનો

સુરતની સચીન જીઆઈડીસીમાં ખાડીમાં ટેન્કર ઠાલવતા સર્જાયેલા ગેસકાંડની ઘટનામાં જીપીસીબીની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દોષી ઠરતાં ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

સચિન જીઆઈડીસીમાં ખાડીમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ્સ વેસ્ટના નિકાલમાં 6 લોકોના મોત અને 25ને ઇજા પહોંચી હતી. ઘટનાની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દ્વારા મોતનું ટેન્કર જીજે 6 ઝેડ ઝેડ 6221 રવાના કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.

જેમાં વડોદરાની સંગમ એનવાયરોમેન્ટ સાથે કેમી ઓર્ગેનિક્સને એક એપ્રિલે જીપીસીબીએ પર્યાવરણને નુકશાન બદલ રૂ. 50 લાખનો દંડ અને ક્લોઝર નોટિસ પણ પાઠવી હતી. ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કંપની દ્વારા ગેરકાયદેસર બીજા ટેન્કરનો પણ બારોબાર નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

અંકલેશ્વર જીપીસીબીના વૈજ્ઞાનિક શૈલેષ પટેલે જોખમી ઝેરી હેઝાડસ્ટ વેસ્ટનો જાહેરમાં નિકાલ, ગંભીર બેદરકારીથી લોકોના જીવ જોખમવા અને ગુનાહિત હાજરી અંગે ઝઘડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માત,૨નાં મોત

ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા સહીત બે લોકોના મોત થયા હતા. જયારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની પ્રથમ ઘટનામાં માતાજીની દર્શન કરી પરત ફરી રહેલા દંપતીની બાઈકને ટેન્કર ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં પતિની નજર સામે પત્નીનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતુ.

ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલા આશીર્વાદ નગરમાં રહેતા 65 વર્ષીય હરિવદન રમણલાલ ચાંપાનેરિયા અને તેઓના પત્ની શારદાબેન ચાંપાનેરિયા પોતાની બાઈક નંબર-જી.જે.16.એમ.0890 લઈ ઓસારા મહાકાળી મંદિર ખાતે ગયા હતા. જેઓ માતાજીના દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે પર ઓસારા રોડ ઉપર પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી રોડ ઉપર પટકાતા શારદાબેનના માથા અને શરીર પર ટાયર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે હરિવદન ચાંપાનેરિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત અન્ય અકસ્માતમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલા અરેઠી અને ફૂલવાડી ચાર રસ્તા વચ્ચે નાળા પાસે અજાણ્યા વાહન ચાલકે 45 વર્ષીય યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!