- રાજકીય તૈયારીઓ શરૂ થતાં વહીવટી તૈયારીનો પણ પ્રારંભ
ગુજરાતમાં એકતરફ વિધાનસભા ચૂંટણીની રાજકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વહીવટી તૈયારીઓનો પ્રારંભ પણ કરી દેવાયો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારી- કલેક્ટરોને ચૂંટણી ફરજ માટેના કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર કરવા સૂચના અપાઈ છે.
કલેક્ટરોને લખાયેલા પત્રમાં જણાવાયા મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકારના અધિકારી- કર્મચારીઓ, હોમગાર્ડ સહિતના પોલીસ કર્મચારીઓ, સરકારી વાહનો અને એસટી નિગમના વાહનોના ડ્રાઇવર- કંડક્ટર, ક્લીનર્સ તેમ જ ટ્રક, મિની બસ, બસ જેવા ખાનગી વાહનોના ડ્રાઇવર, કંડક્ટર, ક્લીનરની માહિતી મેળવી ડેટાબેઝ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વિકાસ કમિશનર, ડીડીઓ, મહાપાલિકા કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારીઓ, શિક્ષણ નિયામક, નગરપાલિકા કમિશનર તથા તમામ બોર્ડ નિગમોની કચેરીઓને પણ પત્ર લખીને તેમના સ્ટાફની વિગતો આપવા તેમ જ ચૂંટણી અધિકારી માગણી કરે ત્યારે ચૂંટણી ફરજ પર મોકલવા પત્ર લખવામાં આવ્યો છે.
ચૂંટણી ફરજ પર નીમવામાં આવનાર કર્મચારી મતદાર હોવા જોઈએ અને તે મતદાર ફોટો ઓળખપત્ર ધરાવતા હોવા જોઇએ. જો કોઇ કર્મચારી મતદાર ન હોય તો તેમનું યાદીમાં નામ નોંધવું. કર્મચારી નામ નોંધાવવા માટે ઉત્સાહ ન દર્શાવે તો પણ મતદાન સ્ટાફમાં નિમણૂક આપી શકશે. મતદાર યાદીમાં નામ ન નોંધાવવું તે ચૂંટણી ફરજ માટેનું બહાનું ન બની જાય તે જોવાનું રહેશે. મતદાન સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની અને રેન્ડમાઇઝેશનની કામગીરી માટે દરેક જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરને નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપવાની રહેશે.
ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ, ડોક્ટર- નર્સ, આયુષ વિભાગ સહિતના વિવિધ વિભાગોના સ્ટાફને ચૂંટણી ફરજ નહીં સોંપવા સૂચના અપાઇ છે. મતદાન સ્ટાફની વિગતો 31 મે સુધીમાં મેળવી 31 જુલાઈ સુધીમાં ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે. કર્મચારીઓની બદલી, નિવૃત્તિ તથા ભરતીના કિસ્સામાં ડેટાબેઝ અપડેટ કરવાનો રહેશે.