ભરૂચ જિલ્લામા વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક હાંસોટના દિગસ ગામે નીકળેલા પગપાળા સંઘના ચાર પદયાત્રીઓને હાઇવા ટ્રક ચાલકે ટક્કર મારતા એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હાંસોટના દિગસ ગામે નવી વસાહતમાં રહેતા મંજુલાબેન વસાવા પતિ કાંતિભાઈ વસાવા અને ગામના 50 લોકો સાથે બુધવારે સાંજે નેત્રંગ તાલુકાના ટીમરોલીયા દશામાંના મંદિરે જવા નીકળ્યા હતા. જેઓ વાલિયાના વટારીયા સુગર આગળ યુપીએલ યુનિવર્સીટી નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે 50 પૈકી ચાર પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાંતિ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અન્ય ત્રણ શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે વાલિયા આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.