અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. પિશાચ બનેલા પિતાએ ત્રણ મહિનામાં કેટલી વખત માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની પિશાચી કરતૂતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી. ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં એક ઘટનાએ બાળકીના માનસ પટલ ઉપર એવી નકારાત્મક છાપ ઉભી કરી છે કે, પિતા ઘરમાં પ્રવેશે ત્યારથી તેના પગ થરથર કાપી ઉઠે છે. આ વાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 12 વર્ષની દીકરીની છે. આ બાળકી છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી છે. કુમળી વયની બાળકીને હવસનો શિકાર અન્ય કોઈ નહિ પરંતુ તેનો પિતા બનાવતો હતો.વારંવાર બાળકીના શરીરને પીંખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો. બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરી હતી સાથે બાળકી અત્યંત ભયભીત પણ જણાઈ હતી. માતા હૂંફ આપી બાળકીને પૂછતાં પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. પતિના પિશાચી કૃત્ય વિષે જાણી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.
ચોકી ઉઠેલી માતાએ પતિને ઠપકો આપ્યો હતો. આ બાદ તેજ રાતે ફરી શેતાન પિતા બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કરતા માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે.બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું પગલું પણ ભર્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ માટે પણ પ્રયાસ હાથ ધર્યા છે.