ભારતને એશિયન ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ અપાવી દેશનું ગૌરવ વધારનાર ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે રૂ. 69.10 લાખની કથિત છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઊંચા વળતરની લાલચમાં આવીને મોટી રકમ ગુમાવ્યા બાદ ન્યાય મેળવવા માટે સરિતા ગાયકવાડે પોલીસનો સંપર્ક સાધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતા નિતીનભાઈ ભારતી નામના શખ્સે સરિતા ગાયકવાડને રેતીના વેપારમાં નાણાં રોકવા માટે આકર્ષિત કરી હતી. આરોપીએ આ રોકાણ સામે દર મહિને 4 ટકા જેટલો મોટો નફો આપવાની લાલચ આપી હતી. તેની વાતોમાં આવીને સરિતાબેને ફોન-પે અને વિવિધ બેંક ખાતાઓ દ્વારા કુલ રૂ. 69,10,056 ટ્રાન્સફર કર્યા હતા.
મોટી રકમ મેળવ્યા બાદ આરોપીએ અત્યાર સુધીમાં માત્ર રૂ. 1.80 લાખ જ પરત કર્યા છે, જ્યારે રૂ. 67,30,056 જેટલી માતબર રકમ હજુ પણ બાકી નીકળે છે. આરોપીએ વિશ્વાસ કેળવવા માટે રૂ. 30 લાખનો ચેક આપવાનું કહી તેનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો, પરંતુ વાસ્તવમાં ચેક આપ્યો નહોતો. છેલ્લા બે મહિનાથી આરોપી સરિતાબેનનો ફોન પણ ઉપાડતો નથી.





