જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલા આનંદધામ વૃદ્ધાશ્રમમાં પીવાના મીઠા પાણીનું જોડાણ તાત્કાલિક પૂરું પાડવાની માંગ સાથે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર-4નાં સભ્ય અને સામાજિક આગેવાન શહેનાઝ પઠાણ દ્વારા નાયબ કલેક્ટરશ્રી તથા પ્રાંત અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેનાઝ પઠાણ જન્મદિવસ નિમિત્તે મગણાદ સ્થિત આનંદધામ વૃદ્ધાશ્રમમાં નિરાધાર વડીલોને ભોજન કરાવવા પહોંચ્યાં હતાં. તે દરમિયાન વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા પીવાના મીઠા પાણીની સમસ્યા અંગે તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમમાં પાણીની સુવિધાના અભાવે વડીલોને પડતી મુશ્કેલીઓ જાણ્યા બાદ તેમણે આ પ્રશ્નના નિરાકરણ માટે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ આનંદધામ વૃદ્ધાશ્રમમાં 40થી વધુ નિરાધાર, બીમાર, અશક્ત તેમજ પથારીવશ વૃદ્ધ મહિલાઓ અને પુરુષો આશ્રય લઈ રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા આ વડીલોની સારસંભાળ રાખવામાં આવે છે, પરંતુ પીવાના મીઠા પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે વૃદ્ધાશ્રમના સંચાલકો તેમજ વડીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે વૃદ્ધાશ્રમમાં મીઠા પાણીનું જોડાણ મેળવવા માટે નિયમ મુજબ ભરવાપાત્ર રકમ મગણાદ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવી હોવા છતાં લાંબા સમયથી પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી. પરિણામે વૃદ્ધાશ્રમના સંચાલકોને પીવાનું મીઠું પાણી બહારથી નાણાં ચૂકવીને મેળવવાની ફરજ પડી રહી છે.
એક તરફ વૃદ્ધાશ્રમમાં નિરાધાર અને બીમાર વડીલોને આશ્રય આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ મુશ્કેલી વેઠવી પડે તે ચિંતાનો વિષય બન્યો છે. વૃદ્ધો માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું એ માનવતાની દૃષ્ટિએ પણ અત્યંત જરૂરી છે.
આથી શહેનાઝ પઠાણે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી મગણાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપી આનંદધામ વૃદ્ધાશ્રમમાં વહેલી તકે પીવાના મીઠા પાણીનું જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.





