ધરતીપુત્રોને તેમની મહેનતનું પૂરું વળતર અપાવવા અને નગરજનોને કેમિકલમુક્ત શુદ્ધ ખાદ્યસામગ્રી ઉપલબ્ધ કરાવવાના બેવડા આશય સાથે ભરૂચમાં વિશિષ્ટ પહેલ હાથ ધરાઈ છે.

ખેડૂતો કોઈપણ વચેટિયા કે દલાલ વિના સીધા ગ્રાહકો સુધી પહોંચી યોગ્ય ભાવ મેળવી આર્થિક સમૃદ્ધિ મેળવે અને બીજી તરફ શહેરીજનોને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઝેરમુક્ત સાત્વિક આહાર મળી રહે તેવા હેતુસર ભરૂચ જિલ્લા પંચાયત પરિસર ખાતે “ભરૂચ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’ ખુલ્લું મુકાયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગ, અમદાવાદની સૃષ્ટિ સંસ્થા તેમજ બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ માર્કેટ દર રવિવારે સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી સંકુલમાં કાર્યરત રહેશે, જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકશે.

પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ હાજરી આપી દેશી ઉત્પાદનોની ખરીદી કરી હતી. આ નવતર પ્રયોગથી ખેડૂત અને ગ્રાહક વચ્ચે સીધો સેતુ રચાયો છે, જે આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીને મોટું બળ પૂરું પાડશે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી જમીનનું પોષક તત્વ નષ્ટ થાય છે તેમજ માનવ સ્વાસ્થ્ય પર અસરો પડે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તથા બીજામૃત જેવા કુદરતી ઘટકો હોવાથી જમીનની ભેજ સંગ્રહશક્તિ અને ફળદ્રુપતા વધે છે. સાથે જ રસાયણમુક્ત ખેતપેદાશો લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.





