સાગબારા તાલુકાની અમિયાર પ્રાથમિક શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક સેવા આપનાર બે કર્મનિષ્ઠ શિક્ષકો દામજીભાઈ બી. વસાવા અને ભરતભાઈ બી. ચૌધરી વયનિવૃત્ત થતાં શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ભવ્ય અને ભાવભીનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રામદાસભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકોની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી.

નિવૃત્તિના અંતિમ દિવસે પણ બંને શિક્ષકોએ પોતાની સેવાભાવના અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદાય સમારંભને માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રાખતાં તેમણે શાળામાં ધોરણ ૧થી ૫માં અભ્યાસ કરતાં તમામ ૭૬ બાળકોને એક-એક નવો યુનિફોર્મ ભેટ આપ્યો હતો. એટલું જ નહીં, શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફરજ બજાવતી બે વિધવા બહેનોને સાડીની ભેટ આપી સન્માનિત કરી હતી. સાથે જ શાળાના સમગ્ર સ્ટાફનું પણ સન્માન કરીને શિક્ષક તરીકેની પોતાની સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બંને શિક્ષકોએ નિવૃત્તિના પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો અને શિક્ષકમિત્રો માટે પ્રીતિભોજનનું પણ આયોજન કર્યું હતું. શિક્ષક તરીકેની ફરજ પૂર્ણ થતી વેળાએ પણ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ પરિવારો પ્રત્યેની લાગણી વ્યક્ત કરી તેમણે સમાજમાં શિક્ષકની સાચી ભૂમિકા શું હોવી જોઈએ તેનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે બીટ નિરીક્ષકો, શિક્ષક સંઘના હોદ્દેદારો, ટીચર સોસાયટીના પ્રમુખ અને મંત્રી, ગ્રુપ શાળાઓના મુખ્ય શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, માજી બાંધકામ સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ, ગામના સરપંચ દિનેશભાઈ સહિત ગામના આગેવાનો, વડીલો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બંને શિક્ષકોની વર્ષોની શૈક્ષણિક સેવાઓને યાદ કરી તેમના નિવૃત્તિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન અમિયાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, શિક્ષકની નિવૃત્તિ માત્ર નોકરીમાંથી વિદાય નથી હોતી, પરંતુ વર્ષો સુધી સમાજમાં આપેલા સંસ્કાર અને સેવાની યાદોનું સન્માન હોય છે. અમિયારના બંને શિક્ષકોએ નિવૃત્તિના દિવસે પણ સેવાકાર્ય કરીને સાચા અર્થમાં શિક્ષકની ગરિમા વધારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here