જંબુસરના નોંધણા ગામના સ્મશાનગૃહના વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્મશાનગૃહમાં ચિતા સ્થળે બનેલા સામાન્ય પગથિયાં પાછળ જ અંદાજે ₹1 લાખનું મસમોટું બિલ પાસ કરાયું હોવાના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સરકારી ગ્રાન્ટ અને વિદેશથી મળેલા ફંડના હિસાબો જાહેર કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ તેજ બની છે. સ્થાનિક અરજદાર વિરલભાઈ રમેશભાઈ પટેલે સ્મશાનગૃહની કામગીરી અંગે માહિતી અધિકારના નિયમ હેઠળ વિગતો માંગી હતી.
જો કે, તંત્ર દ્વારા તેમને અધૂરી માહિતી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. માહિતી છુપાવવામાં આવતા આખરે અરજદારે આ મામલે બીજી અપીલ દાખલ કરી છે, તેમજ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પણ લેખિત રજૂઆત કરીને ઉચ્ચ સ્તરેથી તપાસની માંગ કરી છે.
નોંધણા ગામના અનેક યુવાનો વિદેશમાં સ્થાયી થયેલા છે, જેમણે ગામના વિકાસ અને સ્મશાનગૃહના નવીનીકરણ માટે મોટું આર્થિક ફંડિંગ આપ્યું હતું. આ ફંડ ઉપરાંત સરકાર તરફથી પણ વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે આ તમામ નાણાંનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરાયો તેનો સત્તાવાર હિસાબ જાહેર કરવો જોઈએ. કામની નબળી ગુણવત્તા, રજૂ કરાયેલા બિલો અને થયેલી ચૂકવણીઓની તટસ્થ એજન્સી પાસે તપાસ કરાવવાની માંગ ઉઠી છે.





