અંકલેશ્વર GIDCની કંપનીમાંથી સુરતના હજીરા પોર્ટ મોકલાયેલા આશરે 1.12 કરોડ રૂપિયાના પિગમેન્ટ ગ્રીન-7ની રસ્તામાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. કન્ટેનરની સીલ સાથે ચેડાં કરી માલ કાઢી લેવાયો હોવાનો આક્ષેપ છે.

અંકલેશ્વર GIDCની શુભશ્રી પિગમેન્ટ્સ કંપનીએ 26 ઓક્ટોબર, 2026ના રોજ પિગમેન્ટ ગ્રીન-7નું ઉત્પાદન કર્યું હતું. કુલ 44 જંબ બેગમાં ભરેલો આ માલ હજીરા પોર્ટ મોકલાયો હતો. દરેક બેગનું વજન 375 કિલોગ્રામ હતું. ફરિયાદ મુજબ, માલની કુલ કિંમત 1,12,99,761 રૂપિયા હતી.
માલની હેરફેર માટે વડોદરાની પ્રિયંકા લોજિસ્ટિક્સની સેવા લેવાઈ હતી. માલ ટ્રક નંબર GJ-16-AY-5543 અને કન્ટેનર નંબર FANU 102241માં મોકલાયો હતો. કન્ટેનર પર ઈ-સીલ અને OTS સીલ લગાવવામાં આવી હતી.
29 ઓક્ટોબરે કન્ટેનર હજીરા પોર્ટ પહોંચ્યું ત્યારે તપાસમાં સીલ સાથે ચેડાં થયાનું જણાયું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે, કંપનીનો અસલ માલ કાઢી લેવાયો અને તેની જગ્યાએ સિમેન્ટની પ્લાસ્ટિકની થેલીઓમાં રેતી તથા માટી ભરી દેવાઈ હતી. આશરે 250 થેલીઓમાં માલની અદલાબદલી કરાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદી ધનંજય કૃષ્ણસ્વામી શ્રીવત્સને 31 ઓક્ટોબર, 2026ના રોજ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી છે.





