આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પોતાના નાના ભાઈ શાંતિલાલ વસાવાની મુલાકાત લીધી હતી. નાના ભાઈની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જામીન મળ્યા બાદ તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાના ભાઈ તથા પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત હજુ પણ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આગામી ત્રણ દિવસ સુરત ખાતે રહી પોતાના નાના ભાઈની તબિયતનું મોનિટરિંગ કરશે તેમજ ડૉક્ટરો સાથે ચર્ચા કરી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જરૂરી પ્રયાસો કરશે.





