ભરૂચ શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. પાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા લોકોના ઘરે જ પાલિકા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છેના આક્ષેપો પણ કરાયા હતા.
ભરૂચ નગરમાં ઉનાળાની બળબળતી ગરમીમાં શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. વર્ષો જૂની પાણીની લાઈનોના કારણે પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી. મોટર મુકવા છતાં પાણી નહી ચઢતું હોવાની મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટરો, પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છતાં પરિણામમાં ટીપું પાણી પણ મળ્યું ન હતું.
સ્થાનીકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા તંત્ર નવો રસ્તો હોવાથી તેને ખોદી લાઈનો બદલવા માંગતું નથી. હાલ તો પાલિકા તંત્ર દ્વારા કિરણ સોલંકીની રજુઆતને ધ્યાને રાખી સ્થળ તપાસ કરી કામ શરૂ કરી દેતા સ્થાનિકોમાં ખુશહાલી છવાઇ હતી. તેમણે તેમના સામાજિક આગ્રણી કિરણ સોલંકી સહીતનાઓનો આભાર માન્યો હતો.