સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં લીડ બેંકના મેનેજર જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે.પાક ધિરાણરૂા.૧.૬૦ લાખ સુધીની લોન માટે જમીન ઉપર બોજો કરવામાં આવશે નહીં પણ રૂા.૧.૬૦ થી વધુ ધિરાણ માટે જમીન ઉપર બોજો આવશ્યક છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર થાય છે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તોજ અને જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.
આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરાએ “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીગણને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી ભરૂચ જિલ્લામાં દરેક ખેડુતને આ યોજના અંતર્ગત આવરી લઇ લાભ આપવા માટે આહવાન કર્યું હતું.આ બેઠકમાં બેન્કોના વિવિધ અધિકારીઓ, સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.