ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં એક તરફ આભમાંથી આગ વરસી રહી છે અને બીજી તરફ છેલ્લા 3 દિવસથી આગની ઘટનાઓ ઘટી રહી છે. સોમવારે સમી સાંજે પણ પાનોલીની હાઈકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જેમાં 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સોમવારે સમી સાંજે પણ પાનોલી GIDC માં આવેલી હાઈકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. કંપનીના 3 નંબરના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકાએક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા.
અચાનક ઉપરના માળે આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC અને પાનોલીના 5 ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અડધો કલાકથી વધુની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આગને પગલે 4 કામદારો દાઝી જવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીપીસીબી, પોલીસ અને ફેકટરી ઇન્સ્પેક્ટરે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.