- ભરૂચના ચંદેરિયામાં ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક મળી
ભરૂચ જીલ્લાના ચંદેરિયા ખાતે બિટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે.1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.
બિટીપીના સંરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા, બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, ચૈતર વસાવા, રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બિટીપીના સંરક્ષક છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું પણ એસ.સી, એસટી, ઓબીસી, માયનોરિટીનાં લોકોને કોઈ લાભ આપ્યા નથી.ભાજપના લોકો સત્તામાં નિષ્ફળ ગયા એટલે લોકોને મનાવવા માટે પીએમ મોદીને ગુજરાતમાં બોલાવી રેલીઓ કરે છે.ભાજપે ગુજરાતમાં એસ.સી, એસટી, ઓબીસી અને માયનોરીટી સાથે જે ખરાબ કૃત્ય કર્યું એ કોઈ દિવસ ભુલાશે નહિ.
ભાજપે રામ નવમીના દિવસે હિંદુ-મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવી એક તરફી વોટ લેવા કાવતરું રચ્યું છે.ભાજપે હાલ 811 કરોડના જનતાના રૂપિયે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે, અગાઉ પણ મફત અનાજના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા. ભાજપ અધિકારીઓ, પોલીસ અને લશ્કરને ચઢાવી લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. અમે આપ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે અને અમારા મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરી છે, સીટોની વહેચણી આગામી સમયમાં નક્કી થશે.