
ગામડાઓમાં રહેતા લોકો સ્વાસ્થય અંગે જાગૃત થાય અને વિના મૂલ્યે પોતાની સારવાર કરાવી શકે તે માટે સરકાર ઘ્વારા બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. જેના ભાગ રૂપે વાગરા એપીએમસી ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ વાગરા તાલુકાના આગેવાન પદાધિકારીઓ, ડૉક્ટર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લોક હેલ્થ તાલુકા મેળાઓનો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નવેય તાલુકાઓના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ હવે ઘર આંગણે જ મળી રહેશે. રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે. સરકાર છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હેલ્થ મેળામાં લોકોને એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર માટેની સુવિધાઓ ઊંભી કરતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ તમામ વિભાગોની મુલાકાત લઈ આરોગ્ય કર્મીઓ અને તબીબોની કામગીરીને બિરદાવી હતી.
આ કેમ્પમાં હેલ્થ આઈડી, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમાં પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ.એન.ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો અંદાજે ૫૩૮ થી વધુ વ્યક્તિઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો.