
વારંવાર થતા અકસ્માત નિવારવા રંગ સીટી સોસાયટીના રહીશોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર અને લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
રંગ સીટી સોસાયટી ચાવજના ૧૦૭ મકાનોના રહીશોએ આવેદનમાં જણાવ્યું કે તા .17/ 04/2022 ને રવિવારે સાંજે અંદાજિત 8:00 વાગ્યાના સમયે સ્પીડ બ્રેકર અને રોડ લાઇટના અભાવના કારણે અમારી રંગ સીટી સોસાયટીમાં રહેતું દંપત્તિ દુઃખદ અને ગંભીર અકસ્માતનું ભૌગ બનેલ છે, કે જેમાં ભારતીબેન ઉમેશભાઈ પટેલનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયું છે અને ઉમેશભાઇ જયન્તીભાઈ પટેલ ગંભીર રીતે ઈજા પામેલ છે. તો આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે અને ગણતરીના દિવસોમાં જ રંગ સીટી સોસાયટીની બહાર આવેલ ભરૂચ-પાલેજ રોડ ઉપર કે જ્યાં S. N.P.S સ્કૂલ પણ આવેલ છે ત્યાં અલગ અલગ જગ્યાએ ત્રણ થી ચાર સ્પીડ બ્રેકર મૂકી આપવા અપીલ કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ અગાઉ ઉપરોક્ત અકસ્માત સિવાય પણ ઘણા બધા નાના નાના અકસ્માતો સંભવિત સ્થળ ઉપર થઇ ચૂકેલ કારણે અમારા દ્વારા સ્પીડ બ્રેકર અને રોડ લાઇટ ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામપંચાયત-ચાવજ માં તેમજ અમારી સોસાયટીના બિલ્ડરને પણ વારવાર માંગણીઓ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કે અમારા બિલ્ડર દ્વારા અમારી માગણીઓ સંતોષવામાં આવેલ નથી.જેથી સત્વરે આ વ્યવસ્થા ગોઠવવા આદેશ અપાય તેવી માંગ કરી છે.