મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી હતી.
મુખ્યમંત્રીએ વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ કલાબેન તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી સંસ્કૃતમાં પુરી પાડી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર મુલાકાતીઓ- પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન તેમની સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ પંકજ કુમાર, એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર પણ જોડાયા હતા.