ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2021-22નું 4.65 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. ઉપરાંત વર્ષ 2022-23નું અંદાજિત 2.10 કરોડનું પુરાંતવાળું બજેટ પણ બહાલ કરવામાં આવ્યું હતું .
જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન કમલેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિત પંચાયતના સભ્યો હાજર રહ્યાં હતાં. સભામાં અગાઉ મળેલી સામાન્ય સભાની કાર્યવાહી તેમજ તેના પર લેવાયેલાં પગલાં વંચાણે લઇ તેને સર્વાનુમતે બહાલ કરાયાં હતાં.
અગાઉ મળેલી જુદી-જુદી સમિતીઓની બેઠકની કાર્યવાહી નોંધને પણ સર્વાનુમતે બહાલી મળી હતી. સભામાં કારોબારી સમિતી દ્વારા તૈયાર થયેલું બજેટનું અંદાજપત્ર પણ રજૂ કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની વર્ષ 2021-22નું 4.65 કરોડની અંદાજિત પુરાંતવાળું સુધારેલું બજેટ તેમજ વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં વર્ષની ઉઘડતી સિલ્લક સહિત કુલ 20.25 કરોડની આવક સામે વર્ષ દરમિયાન 18.15 કરોડનો ખર્ચ બાદ કરતાં 2.10 કરોડનું પુરાંતવાળું બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.