જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત કરી શુભારંભ કરાવ્યો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જળ અભિયાન એ ગુજરાતની અતૃત્પ ધરાને જળસમૃધ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે. આ અભિયાન દ્વારા જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા, પાણીનો બગાડ ઘટાડવો અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવી ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ મળી રહે તેવા આશય સાથે સહુ સાથે મળીને આ અભિયાનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૮ થી સુજલામ્ સુફલામ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનો એક પ્રયાસ છે. જળ સંચય અભિયાન હેઠળ આદિવાસીઓને રોજગારી પણ મળી રહેશે. વરસાદી પાણી પહેલા પાળ બાંધવાના આ અભિયાનને લીધે અને જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જળ સ્તર ઉંચા આવશે અને પિયતની સુવિધાઓમાં પણ સરળતા રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સહકાર અને સિંચાઇ સમિતીના ચેરમેન સોમાભાઇ વસાવા,ખાનસિહ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.બી.કટારા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, પાટડી ગામના સરપંચ શ્રીમતી વિદ્યાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા