ઝઘડિયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં આડેધડ થતા રેતખનનનો પ્રવર્તમાન વિવાદ હાલ ચરમસીમાએ પહોંચતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. થોડા સમય પૂર્વે જ કરજણ નજીક ત્રણ માણસોનું રેતીના ડમ્પરની અડફેટે મોત થયા બાદ હાલમાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પણ રેતીવાહક ટ્રકે અકસ્માત સર્જતા એક વૃધ્ધ મહિલાનું કરુણ મોત થયું હતું. વારંવાર આવા અકસ્માત સર્જતા વાહન ચાલકો તેમજ નિયમોનો ભંગ કરી આડેધડ રેતખનન કરતા લીઝ સંચાલકો સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લડત ઉપાડતા તંત્ર એકદમ એકશન મોડમાં આવી ગયું હતું.
આ દરમિયાન ભાલોદ ખાતે અકસ્માતનો ભોગ બની મરણ પામનાર મહિલાના પરિવારજનોને સાંત્વના આપવા આવેલા સાંસદે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના પોલીસ અધિકારીઓને વારંવાર સુચનાઓ આપવા છતાં બેફિકરાઈથી ચાલતા વાહનો સામે કોઇ કાર્યવાહી થતી નથી, ઝઘડીયા તાલુકાના અકસ્માતમાં તાલુકાની પોલીસની જવાબદારી હોવાનું સાંસદે વધુમાં જણાવ્યુ હતું.
સાંસદે તેમની ભાલોદની મુલાકાત સમયે આપેલ ખુલ્લી ચેતવણી બાદ ઝઘડિયા તાલુકાનું પોલીસ તંત્ર એકદમ એકશનમાં આવ્યુ હતું, અને તેના પગલે ગતરોજ ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા આડેધડ બેફામ દોડતા વિવિધ ખનીજવાહક વાહનો સામે તથા જાહેર સ્થળોએ આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી વાહનો જપ્ત કર્યા હતા. ખનીજ માફિયાઓ દ્વારા રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો તેમજ ટ્રકોમાં પાણી નિતરતી રેતી ભરીને તેનું વહન કરવું જેવી બાબતો સંબંધે સાંસદની ચેતવણી બાદ નિયમભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરાતા વાહનચાલકો તેમજ ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા કુલ ૧૩ જેટલા નિયમભંગ કરતા વાહનો ઝડપીને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.