- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, જેમાં ગુજરાતની સહકારી ખાંડ મિલો દેશભરમાં સર્વશ્રેષ્ઠ-ચડિયાતી છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે.’ એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણતાના “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું હતું.
સંમેલન સ્થળેથી સહકાર મંત્રીના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન તેમજ નવી પારડીમાં બનનારા અત્યાધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેર હાઉસ’નું ભૂમિપૂજન, સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ’ ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન ગૃહમંત્રીના વરદ્દ હસ્તે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, સહકારમંત્રી જગદીશભાઈ પંચાલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ ઊર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ, સુરત એ.પી.એમ.સી.ના ચેરમેન રમણભાઈ જાની, ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શામળભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠક સહિત ધારાસભ્ય સુમુલ અને અન્ય સહકારી મંડળીઓના સભાસદો, પશુપાલકો, પદાધિકારીઓ, સહકારી આગેવાનો, સુમુલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, GCMMF, NDDB ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.