- મનિષાનંદ સોસાયટીમાં આવી ગેસ લાઇન ચેક કરવાના બહાને રૂપિયા ખંખેરતા બે સામે ગુનો નોંધાયો
ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં રહેતાં યુવાનના ઘરે આવેલાં ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાક્ટના બે શખ્સોએ તેમના ઘરની સગડીની સર્વિસીંગ કરી તેના બદલામાં 300 રૂપિયા લીધાં હતાં. જોકે, તે બાદ ગેસની સગડીમાં લિકેજ થવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાવાની સ્થિતીનું નિર્માણ થતાં યુવાને મામલામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં રહેતાં અક્ષય ઇશ્વર પીપલેના ઘરે ગત 5મી માર્ચના રોજ બપોરના સમયે ગુજરાત ગેસ કંપની તરફથી ગેસ લાઇન ચેક કરવા માટે બે કર્મીઓ આવ્યાં હતાં. તેમણે ગેસલાઇન ચેક કર્યાં બાદ તેમના ઘરની સગડી પણ સર્વિસ કરી હતી.
તેમના ગયાં બાદ સગડીના એલબોમાંથી ગેસ લીકેજ થવાની વાસ આવતી હોઇ અક્ષય પિપલેએ ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર કેર પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની કંપનીના માણસોને માત્ર ગેસ લાઇનની પાઇપ ચેક કરવાની જ જવાબદારી આપવામાં આવી છે. ગેસની સગડીની સર્વિસની કોઇ સત્તા તેમને અપાઇ નથી. તેમના ઘરે આવેલાં બન્નેવ કર્મીઓએ તેમની સત્તાની બહાર અંગત આર્થિક લાભ મેળવવા ખરાબ એલબો લગાવી 300 રૂપિયા મેળવી ગેરકાયદે કામગીરી કરી છે.જેઓ પુન: તેમના વિસ્તારમાં કામગીરી માટે આવતાં તેમના નામ અજય જયંતિ ઠાકોર તેમજ કમલેશ નગીન ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું. તેમની બેદરકારીના કારણે ગેસની સગડીમાં લિકેજ થવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાવાની સ્થિતીનું નિર્માણ થતાં અક્ષય પિપલેએ બન્નેવ વિરૂદ્ધ ફરિયાદ આપતા ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.