- ભરૂચ, અંકલેશ્વર અને વાલિયાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને સર્કલ ઓફિસરને જાહેરમાં અપશબ્દો બોલવાની ઘટનાના એક્શન રિએક્શન હવે ગંભીર આવી રહ્યાં છે. સાંસદ માફી માંગેની માંગ સાથે સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ ગઈકાલે ગુરૂવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તેમજ આજે શુક્રવારે માસ સીએલ પર ઉતરી ગયા હતા. જેની સાથે જ ભરૂચ જિલ્લામાં પણ આજે ભરૂચ, અંકલેશ્વર અને વાલિયામાં મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા. જેના પગલે આજે કામકાજ અર્થે આવેલા કેટલાય અરજદારો અટવાયા હતા.
અત્રે નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવાના વણી વિલાસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા પામ્યો હતો. જેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા. ભરૂચ, અંકલેશ્વર અને વાલિયાની મામલતદાર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી. મહેસૂલી કર્મચારીઓ સામુહિક રજા ઉપર ઉતરી જતા આજે કામ કાજ અર્થે આવેલા કેટલાય અરજદારો અટવાઈ ગયા હતા. આ સાથે જ સાંસદ મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.