યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખુબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખુબ ચિંતિત હતાં. આજે માતાપિતા અને પરિવારને મળતાં મારી ખુશીનો પાર નથી.
વધુમાં ક્રિષાએ જણાવ્યું કે, યુદ્ધના માહોલમાં ફસાઈ જતા એક સમય એવું લાગ્યું કે, ભારતમાં જીવિત પરત ફરીશું કે નહિ..? યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય દુતાવાસ દ્વારા સિટી છોડવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેથી બસ દ્વારા અમે બોર્ડર પર પહોચ્યાં, પરંતુ ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહીને આગળ જવા માટે યુક્રેનની આર્મી દ્વારા સુચના આપવામાં આવતી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમે ૨૦ કિ.મી ચાલીને બોર્ડર પર જઇ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરતા એમણે સહાય કરી હતી. જેથી અમે સુરક્ષિત વતન પરત ફર્યા છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.