- વટારીયા સુગરના ડિરેક્ટર પદેથી દુર કરાયા બાદ તત્કાલિન ચેરમેન વિરૂધ્ધ આ બીજા પગલાથી સહકારી ક્ષેત્રે ચકચાર
ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના તત્કાલિન વહિવટમાં ગેરરિતીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વ્યાપક રજુઆતો કરવામાં આવી હતી, જેને લઇને રાજ્યના ખાંડ નિયામક દ્વારા તપાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી.
તપાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ અહેવાલમાં કેટલાક મુદ્દાઓમાં સુગરના તત્કાલિન વહિવટ દ્વારા કથિત ગેરરિતીઓ આચરાઇ હોવાનું જણાયુ હતું. ઉપરાંત સુગરના તત્કાલિન ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૮૫ કરોડના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ પણ કરવામાં આવી હતી. દરમિયાન ખાંડ નિયામક દ્વારા સુરજીતસિંહ ઉર્ફે સંદિપસિંહ માંગરોલાને સુગરના ડિરેક્ટર પદેથી દુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારે તાજેતરમાં તા.૨૫ -૨ ના હુકમ મુજબ રાજયના ખાંડ નિયામક દ્વારા સંદિપ માંગરોલાને ગણેશ સુગર વટારીયા તેમજ બીજી કોઇ મંડળીમાં છ વર્ષ સુધીના સમય માટે કોઇ હોદ્દો ધરાવવા કે તે માટેની ચુંટણીમાં ભાગ લેવા ગેરલાયક કેમ ન કરવા, બાબતની કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. અને આ બાબતે લેખિત કે મૌખિક રજુઆત કરવા ઇચ્છતા હોયતો તા.૭ મી માર્ચ નારોજ યોગ્ય આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરવા જણાવાયુ હતું. ખાંડ નિયામક દ્વારા સુગરના તત્કાલિન ચેરમેનને સુગરના ડિરેક્ટર તરીકેથી દુર કરતા હુકમ બાદ આ કારણદર્શક નોટિસ ફટકારાતા તત્કાલિન ચેરમેન સંદિપ માંગરોલાને આ સતત બીજો ઝટકો લાગતા જિલ્લાના રાજ્કીય તેમજ સહકારી માળખામાં ચકચાર મચી જવા પામી છે.
- જયશીલ પટેલ,ન્યુઝલાઇન,ઝઘડીયા