ભરૂચમાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂપિયા 2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચ SOG પોલીસે જયારે ઇકો કારને કોર્ડન કરી રોકી ત્યારે તેમાં અંકલેશ્વરના પીર પારડીનું શેખ દંપતી પણ કારમાં બેઠેલું હતું. પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેઓ મુસાફર તરીકે એરપોર્ટ પરથી કારમાં બેઠા હોવાનું જણાવ્યું હતું. પોલીસે દંપતીની વિગતો પણ મેળવી હતી. તેમના નિવેદનો લઇ પ્રાથમિક તેમની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તેમને જવા દેવામાં આવ્યા હતા.
ભરૂચ SOGને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને SOGએ પકડી પાડ્યો હતો.
કાર નંબર જીજે 5 આર.ઇ. 6509 માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી રૂ.2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.