રાજયના માર્ગ-મકાન,વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જંબુસર તાલુકાના કંબોઇ ખાતે આવેલા સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ મંત્રીએ દરિયામાં આવેલા સ્તંભેશ્વર મહાદેવની પૂજા-અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ આ વેળા યજ્ઞશાળાની મુલાકાત લઇ છેલ્લા કેટલાય વર્ષોથી શિવરાત્રી પર્વે ચાલતા મહારૂદ્ર યજ્ઞના દર્શન કર્યા હતા.
આ મુલાકાત વેળાએ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન મંદિરો ઐતિહાસિક મહત્તા ધરાવતા છે આજે સ્કંદપુરાણમાં ઉલ્લેખનીય સ્તંભેશ્વર મહાદેવનું મંદિર કે જેના દર્શન- પૂજા કરી હું ધન્યતા અનુભવું છું. યાત્રાધામએ દરેક વ્યકિતની આસ્થા સાથે જોડાયેલો છે આસ્થા અને શ્રધ્ધા હિન્દુસ્તાનની મૂળભૂત સંસ્કૃતિમાં છે.આસ્થા,શ્રધ્ધા અને મંદિરનું મહત્વ સમજાવી મંત્રીએ શિવરાત્રીની પૂર્વે ભગવાન શિવજીની આરાધના કરવા માટે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો તે બદલ મંદિરના ટ્રસ્ટીગણનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે આ યાત્રાધામમાં પાંચ કરોડ રૂપિયાનું અનુદાન કર્યું છે જેને કારણે મંદિરનો વિકાસ થાય અને સારામાં સારી સુવિધા લોકોને પ્રાપ્ત થાય તેવો ઉમદા હેતુ રહેલો છેઆ પ્રસંગે કંબોઇ આશ્રમના અધિષ્ઠાતા પૂ. વિધાનંદજી મહારાજે સ્કંદપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવની મહત્તા સમજાવી હતી. આ વેળાએ મંદિરના ટ્રસ્ટીગણ ધ્વારા મંત્રી પૂર્ણેશભાઇ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત વેળાએ મંત્રી સાથે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય મંત્રી અરવિંદભાઇ બ્રહમભટૃ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન પદાધિકારીઓ, મંદિરના ટ્રસ્ટીગણ વિગેરે ઉપસ્થિત રહયા હતા.