-
ભરૂચ જિલ્લાના 6317 લાભાર્થીઓને 20 કરોડની સાધન સહાય અપાઈ
ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે 6317 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ વેળા મંત્રીએ 0થી 19 વર્ષની વયના બાળકો-કિશોરોની સ્વાસ્થ્ય ચકાસણી માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને 26 RBSK વાનની ફાળવણી પૈકી પ્રતિકરૂપે 4 વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચની કે.જે.પોલિટેકનીક કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રોજગાર મેળવી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તેવાં આશયથી જરૂરતમંદ લોકોને પ્રત્યક્ષ અને હાથોહાથ સહાય આપવાના અભિગમથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. જે પરંપરાને રાજ્ય સરકારે જાળવી રાખી છે. મંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળા થકી લાખો ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાયું છે.વચેટીયા પ્રથા નાબૂદ કરીને સ્થાનિક પ્રશાસનની મદદથી શોધી-શોધીને લાખો લાભાર્થીઓને એક જ સમયે, એક જ સ્થળે સીધો તેમના હાથમાં જ લાભ આપવામાં આવે છે. જેનાથી ગરીબોના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ સર્જાયો હોવાનું જણાવી લાભાર્થીઓને મળેલી સાધન સહાયનો યોગ્ય ઉપયોગ કરી પરિવારનું જીવનધોરણ સુધારવાનો સૌ લાભાર્થીને અનુરોધ કર્યો હતો.