- રૂ.૧૧,૧૩,૬૬૦/- ના ખર્ચે ભરૂચ જિલ્લાના કુલ ૧૯૭ લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાયનો લાભ મળશે
- કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે સ્માર્ટ ફોન સહાય યોજનાના લાભાર્થીને પ્રતિકાત્મક વિતરણ કરાયું.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ ધ્વારા આયોજીત ખેડૂત ધ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટ ફોન સહાય યોજનાના લાભાર્થી ખેડૂતોને પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચ કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટની હાજરીમાં યોજાયો હતો.
કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ઉપસ્થિત ખેડૂત લાભાર્થીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજીત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામના મહેન્દ્રસિંહ બળવંતસિંહ રાજને ગાંધીનગર ખાતેથી સ્માર્ટ ફોન ખરીદીની સહાય ચૂકવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ૧૯૭ લાભાર્થીઓને રૂ.૧૧,૧૩,૬૬૦/- ના ખર્ચે સ્માર્ટ ફોન ખરીદી સહાયની મંજૂરી આપવામાં આવી છે. આ વેળાએ સ્માર્ટ ફોન સહાયના લાભાર્થી શ્રી દિક્ષિત મનોજભાઈ નિઝામાએ એક મુલાકાતમાં જણાવ્યું કે, સ્માર્ટ ફોન સહાય ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે જેનો મહત્તમ લાભ લેવો જોઈએ. સ્માર્ટ ફોનના ઉપયોગથી ખેડૂત સ્માર્ટ અને સજ્જ બનશે. આ તકે તેઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. બીજા એવા લાભાર્થી અંકલેશ્વરના મનીષાબેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદ્દાત અભિગમ અપનાવ્યો છે જે સરાહનીય છે. ખેતરમાં બેઠા બેઠા જ જરૂરી માહિતી મેળવી શકાશે. તેઓએ પણ સરકારના ઉમદા અભિગમને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ખેતીવાડી ખાતાના અધિકારીગણ, ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.