ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, એસ.ટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત તેમજ અન્ય ૪ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના ગડખોલ નજીક એસ.ટી બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૭૬૩૩ અને કાર નંબર જીજે ૧૯ એ.એ ૫૫૫૪ વચ્ચે અકસ્માતમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય ફરહાન ઉસ્તાદ નામના યુવાનનું તેમજ તેઓના ઝારખંડથી આવેલા સાથી મિત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું સાથે જ અન્ય ૪ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે મામલા અંગેનો ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.