- નાંદ ગામે નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી ચઢાવી
ભરૂચ તાલુકાના નાંદ ગામે રૂપિયા પાંચ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ થતા નર્મદા જયંતીના દિવસે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. આ અવસરે ધારાસભ્યએ નર્મદામાં પાણી અને દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી મા નર્મદાને ચઢાવી હતી.
ભરૂચ તાલુકાના નાંદ ગામે વર્ષો પહેલા બનેલી આંગણવાડી સાવ જર્જરીત અવસ્થામાં હતી. જેમાં ગામના બાળકોને અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. સરકારે નવી આંગણવાડી બનાવવા રૂપિયા પાંચ લાખની ફાળવણી કરી હતી. જેના પગલે નવનિર્મિત આંગણવાદીનો લોકાર્પણ કાર્યક્રમ નર્મદા જયંતીના દિવસે નાંદ ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડિરેકટર નરેન્દ્રસિંહ રણાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.
નર્મદા જયંતી નિમિત્તે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નાંદ ખાતે નર્મદાના જળમાં દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. જ્યારે ઝનોર ખાતે ધર્મવીરસિંહ સહિતના આગેવાનોની સાથે નર્મદા મૈયાને 52 ગજની ચૂંદડી અર્પણ કરી હતી.