ગુજરાત માં દારૂબંધી હોવા છતાં નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઓળખી કાઢી તેમને પકડી પાડી કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ મુજબ સાગબારા પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે એલ ગલચર તથા તેમની ટીમ તારીખ 5 ફેબ્રુઆરી ના રોજ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા, એ સમયગાળા દરમ્યાન એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ રીતે આવી રહી હોવાની જાણ થતા ચોપડવાવ ગામ પાસે પોલીસે બેરીકેડિંગ કરી કાર ને રોકવા માટે નાકાબંધી કરી હતી.
દૂર થી પોલીસ ની નાકાબંદી જોઈ ને કાર ચાલકે કાર દૂર અટકાવી દીધી હતી અને કાર માંથી બે ઈસમો ઉતરી ને નાસી જતા પોલીસે દોડી ને પીછો કર્યો હતો, નાસી રહેલા બે ઈસમો પૈકી એક ઈસમ વસીમ હુસેન અબ્દુલ હકીમ મન્સૂરી ઉ.વ 22 રહે. નકોડા નગર ઉદયપુર (રાજસ્થાન) ને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપી મદન પટેલ નાસી જવામાં સફળ થયો હતો.
પોલીસે કબજે કરેલ કાર ની તપાસ કરતા કાર માંથી જુદી જુદી જાત ની દારૂ ની 280 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1 લાખ 26 હજાર, 800 આંકવામાં આવી હતી. અને મુદ્દામાલ સ્વીફ્ટ કારની કિંમત રૂ.3 લાખ અને એક મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.4, 36, 800/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા