ભરૂચની રાષ્ટ્રીય ધરોહર અને પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ રહેલી જુમ્મા મસ્જિદના વિવાદમાં વધુ એક મોટો વળાંક આવ્યો છે. આ સ્થળ સનાતન ધર્મ, જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા સાથે ભરૂચના ગૌરાંગ રાણા, દિપીકાબેન સહિત અન્ય અરજદારો દ્વારા ગત ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એક મુખ્ય પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આજે શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

અગાઉ જૈન સમાજ તરફે એડવોકેટ હરીશંકર જૈન દ્વારા દાખલ કરાયેલી પ્રથમ પિટિશનની સુનાવણી શનિવાર, ૨૮ નવેમ્બરના રોજ નિર્ધારિત છે.અરજદારોના દાવા મુજબ, ૧૯૦૯થી પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા અને ૧૯૫૮માં જામી મસ્જિદ તરીકે નોંધાયેલા આ સ્મારકમાંથી ભગવાન ગણેશજી તેમજ જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની ઈ.સ. ૧૨૧૩ની તખ્તી ધરાવતી પ્રતિમાઓ મળી આવી છે. મહાનુભાવ પંથ દ્વારા પણ આ સ્થળ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે.

નવી પિટિશનમાં રાષ્ટ્રીય ધરોહરમાં રહેલી દેવી-દેવતાઓની પ્રતિમાઓની સુરક્ષા કરવા, પરિસરમાં કરાયેલા ટોયલેટ-બાથરૂમ અને કબ્રસ્તાન જેવા ગેરકાયદે દબાણો દૂર કરવા તેમજ ગેરકાયદેસર રીતે બનેલા ટ્રસ્ટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પુરાતત્વ વિભાગે મસ્જિદની બારીઓમાં ઈંટોથી કરાયેલું ચણતર દૂર કરી ત્યાં લોખંડની ગ્રીલ લગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here