ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના સ્થાપક અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. મગનભાઈ સોલંકીના સુપુત્ર મહેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સ્વ. મગનભાઈ સોલંકી અને તેમના ધર્મપત્ની સ્વ. મધુબાની સ્મૃતિમાં ‘સ્મૃતિ કુંજ’નું લોકાર્પણ તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જ રમતગમતની આધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ઉપનેતા શૈલેષ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને ઢોલ-નગારાંના તાલે મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત અગ્રણીઓએ સ્વ. મગનભાઈ સોલંકી, મધુબા તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કાર્યક્રમને સંબોધતા અમિતભાઈ ચાવડાએ સ્વ. મગનભાઈ સોલંકીના ઐતિહાસિક સેવાકાર્યોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૬૭માં કપાસની જીન બંધ થતાં બાળકોના શિક્ષણ માટે તેમણે નવયુગ વિદ્યાલયની સ્થાપના કરી હતી. આ ઉપરાંત જંબુસર તાલુકામાં શુદ્ધ પીવાના પાણી માટે ઝનોર પાઇપલાઇન, દુષ્કાળમાં અનાજ વિતરણ, આરોગ્ય કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી તેમણે લોકહિતના અનેક કાર્યો કર્યા હતા, જે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.
મહાનુભાવોએ મહેશભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય હિતેન્દ્ર ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.






