ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અંકલેશ્વર શહેરમાં દારૂની હેરાફેરી કરનારા તત્વો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં દરોડો પાડી એક કારમાંથી વિદેશી દારૂની 456 બોટલ જપ્ત કરી છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાગદીવાડ વિસ્તારમાં રહેતો સાલેર ઉર્ફે શાહરુખ પોતાના ઘર પાસે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બેઠો છે. બાતમી મળતા જ LCBની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી ₹1 લાખની કિંમતની દારૂની 456 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹4.20 લાખનો મુદ્દામાલ કબજે કરી સાલેર ઉર્ફે શાહરુખની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સાલેર ઉર્ફે શાહરુખે કબૂલાત કરી હતી કે તે અને તેનો ભાગીદાર કસ્બાતીવાડનો રહેવાસી તુફેલ મલેક બંને ઉમરવાડા રોડ વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમણે પાનોલીના રહેવાસી સકીલ પાસેથી આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
હાલ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ તુફેલ મલેક અને સકીલને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.





