ભરૂચ શહેરના સૌંદર્યીકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. શહેરના શક્તિનાથ મહાદેવ સર્કલનું અંદાજે 32 લાખના ખર્ચે આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા, બી.ડી. બિલ્ડકોન એલએલપી અને ભૂમિ ડેવલપર્સના સંયુક્ત સહયોગથી સર્કલને નવું અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલમાં ભગવાન શિવના ડમરુની ભવ્ય પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત આકર્ષક લાઇટિંગ અને ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના કારણે સર્કલની સુંદરતામાં વિશેષ વધારો થયો છે.

લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બી.ડી. બિલ્ડકોન અને ભૂમિ ડેવલપર્સના કિરણ મજમુદારના સંયુક્ત પ્રયાસો અને સહયોગથી ભરૂચવાસીઓને શક્તિનાથ સર્કલનું નવું અને સુંદર સ્વરૂપ જોવા મળ્યું છે. તેમણે આ વિકાસકાર્યમાં સહયોગ આપનાર રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ બંને સંસ્થાઓનો ભરૂચના નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, ભાજપ મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સિટી સેન્ટરના કિરણ મજમુદાર, સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મહત્વપૂર્ણ સર્કલને આધુનિક અને આકર્ષક બનાવવાના આ પ્રયાસથી શક્તિનાથ વિસ્તારની શોભામાં વધારો થયો છે. હવે આ સર્કલ માત્ર ટ્રાફિક વ્યવસ્થાનો ભાગ નહીં, પરંતુ ભરૂચના શહેરી સૌંદર્યીકરણ અને વિકાસની નવી ઓળખ તરીકે પણ ઊભરી આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here