અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત ડી. એ. આનંદપુરા વિચાર મંચ દ્વારા સંસ્કારદીપ સ્કૂલ ખાતે ‘ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી’ વિષયને કેન્દ્રમાં રાખીને વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના પૂર્વ કુલપતિ ડૉ. સુદર્શન ઐયંગર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અનુભવ અને વિચારોના માધ્યમથી ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમજ નાગરિકોને સમાજ પ્રત્યેની જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું.

ડૉ.સુદર્શન ઐયંગરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈપણ દેશ કે સમાજની પ્રગતિનું મૂલ્યાંકન માત્ર આર્થિક વિકાસ અને ઉદ્યોગોના વિસ્તરણના આધારે કરી શકાય નહીં. સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે તેની અસર સામાન્ય નાગરિકોના જીવનમાં પણ સકારાત્મક રીતે જોવા મળે. ઉદ્યોગોની પ્રગતિની સાથે સામાજિક કલ્યાણ, પર્યાવરણની જાળવણી અને માનવીય સંવેદનાઓને પણ સમાન મહત્ત્વ આપવું જરૂરી છે.

તેમણે સમાજમાં સારા વિચારો અને સકારાત્મક અભિગમ વિકસાવવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે ઈર્ષ્યા અને અદેખાઈથી સમાજનું ભલું થઈ શકતું નથી. તેના બદલે સારાં કાર્યો કરનાર વ્યક્તિઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કરવાની ભાવના કેળવવી જોઈએ. પરસ્પર સહકાર, સદભાવના અને સામાજિક એકતાના માધ્યમથી જ સમાજમાં રચનાત્મક પરિવર્તન લાવી શકાય છે. વ્યાખ્યાનમાં ઉદ્યોગજગતની આર્થિક ભૂમિકા ઉપરાંત સમાજના સર્વાંગી વિકાસમાં તેની ભાગીદારી કેટલી જરૂરી છે તે બાબત પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં નરેશ પુજારા, એન.કે. નાવડીયા, ડી.સી. સોલંકી સહિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ડૉ. ઐયંગરના વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. ડી. એ. આનંદપુરા વિચાર મંચના આ આયોજન દ્વારા ઔદ્યોગિક પ્રગતિને માનવીય મૂલ્યો અને સામાજિક કલ્યાણ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here