અંગારેશ્વર સરપંચ દ્વારા કરાયેલ રજૂઆતો ને પગલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અંગારેશ્વર ગામે અંગારક ઘાટ તેમજ મંદિરની પ્રોટેકશન વોલ બનાવવા ક્રિષ્ના કન્સ્ટ્ર્કશન કંપની અમદાવાદ એજન્સીને કોન્ટ્રાકટ અપાયો હતો પરંતુ આ એજન્સી દ્વારા આજ દિન સુધી ઘાટની કે પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરેલ નથી.
આ મંગળનાથ મહાદેવ મંદિર તેમજ અંગારક ઘાટ ખાતે હજારો પ્રવાસીઓ આવે છે પરંતુ જર્જરીત થઈ ગયેલા અંગારક ઘાટ તેમજ મંદિરની પ્રોટેકશન વોલ ન બનાવવાના કારણે અકસ્માત થવાના ભયે પ્રવાસીઓ પાછા જાય છે.
આ બાબતે તાઃ 11/3/2025 ના ગ્રામ પંચાયત અંગારેશ્વરના ગ્રામ પંચાયત ના પત્રથી સરપંચે ભરૂચ જિલ્લા કલેકટર, જિલ્લા પ્રવાસન સમિતિ ભરૂચને સંબોધીને માનનીય સચિવ (પ્રવાસન) ઉધોગ અને ખાણ વિભાગ ગાંધીનગરને પત્ર લખી ગત ચોમાસા પહેલા ઘાટની, તેમજ પ્રોટેક્શન વોલની કામગીરી પૂર્ણ કરવા જણાવેલ હતું. જે પત્રના આધારે તાઃ6/5/2025 ના પત્રથી ઝોનલ ઈજનેરી પ્રવાસન વિભાગે એજન્સીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપેલ હતી.
પરંતુ ચોમાસુ પૂર્ણ થઇ જવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થયેલ નથી.જે કામગીરી તાત્કાલિક શરૂ કરાવવાં એજન્સીને સૂચના આપવા તેમજ પ્રવાસન વિભાગને બાકી રહેતા વિકાસ કાર્યો ગ્રામ પંચાયતે સૂચવેલ છે તે તાત્કાલિક સર્વે કરાવી કામગીરી શરૂ કરવા વનારાગ્રામપંચાયતે મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે.જો તેમ નહીં કરાય તો આગામી સમયમાં ના છુટકે ગ્રામજનો જિલ્લા મથક ખાતે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ કરશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





