દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવકો ગતરાત્રે લગભગ દોઢ વાગ્યાનાં સુમારે પોતાના ગામ ગડી પરત ફરતા હતા, ત્યારે દેડિયાપાડા અને બેસણા ગામ વચ્ચે ઢાળમાં મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે ભટકાતાં એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને ૧૦૮ એમ્બ્યુલન્સ માં સારવાર માટે દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા રસ્તામાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બે યુવકોના એક સાથે મોત નિપજતાં ગડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવાનો ચેતન રમેશ વસાવા અને મુકેશ અમરસિંગ વસાવા મોટરસાયકલ નંબર જી.જે. ૨૨ એન.૭૨૪૩ લઈ પાનસર ગામે ગયા હતા. ત્યાં થી બંને યુવાનો નિવાલદા ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી તેઓ પોતાના ગામ ગડી ગામ જવા નીકળ્યા હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે દેડિયાપાડા અને બેસણાં વચ્ચે હાઈવે રોડ પર તેમની મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે અથડાતાં ચેતન રમેશ વસાવા ઉંમર વર્ષ આશરે ૧૯ રહે. ગડી તા.દેડિયાપાડા જી.નર્મદાનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
જ્યારે મુકેશ અમરસિંગ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૧ રહે. ગડી તા. દેડિયાપાડા જી. નર્મદાને ૧૦૮ એમ્બ્યુલન્સ માં દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. બંને યુવાનો નું સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. બે યુવાનોના એક સાથે મોત નિપજતાં ગડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા