સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સસ્તા દરે પશુઓ વેચવાની લોભામણી જાહેરાતો મૂકીને લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે, જ્યાં ફેસબુક રીલ મારફતે ભેંસ ખરીદવા જતાં 41 વર્ષીય કર્મચારીએ રૂ. 53,500 ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, અંકલેશ્વરના કાપોદરા પાટિયા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પરમાર અંકલેશ્વર GIDC ખાતે આવેલી મયુર પ્લાસ્ટિક કંપનીમાં ફરજ બજાવે છે. ઓક્ટોબર-2026માં ચેતનભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભેંસ વેચવાની એક રીલ જોઈ હતી. આ રીલમાં ભેંસની કિંમત રૂ. 70 થી 75 હજાર દર્શાવવામાં આવી હતી અને સંપર્ક માટે એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. ચેતનભાઈને બે ભેંસની જરૂર હોવાથી તેમણે આ નંબર પર સંપર્ક કર્યો હતો.

ફોન પર વાતચીત દરમિયાન સામેવાળી વ્યક્તિએ બે ભેંસ રૂ. 1.20 લાખમાં આપવાનું નક્કી કર્યું હતું. ચેતનભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગે વોટ્સએપ પર પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ‘રાષ્ટ્રીય ગૌરક્ષક સેના’નું પ્રમાણપત્ર મોકલ્યું હતું. આ દસ્તાવેજોમાં તેણે પોતાનું નામ મંગલ રામુચંદ જાટ અને સરનામું જયપુર (રાજસ્થાન) દર્શાવ્યું હતું.

ગત 5 નવેમ્બરના રોજ ઠગે ચેતનભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે બંને ભેંસો ગાડીમાં લોડ કરી દેવામાં આવી છે. ત્યારબાદ તેણે ટ્રાન્સપોર્ટ ભાડા પેટે રૂ. 10,000 અને ગાડીના GPS રિચાર્જ પેટે રૂ. 21,500 ભરવા માટે UPI QR કોડ મોકલ્યો હતો. ભેંસો આવતી હોવાનું માનીને ચેતનભાઈએ પ્રથમ તબક્કે રૂ. 31,500 ઓનલાઇન ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ ઠગે ફરીથી GPS રિચાર્જના બહાને રૂ. 21,500 અને રૂ. 500 મળી કુલ રૂ. 53,500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બીજા દિવસે નિયત સમયે ભેંસો ઘરે ન પહોંચતાં ચેતનભાઈએ તે નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારે સામેવાળી વ્યક્તિએ વધુ એડવાન્સ નાણાંની માંગણી કરી હતી. શંકા જતાં ચેતનભાઈએ પહેલાં ભેંસો મોકલવાનું કહેતાં જ ઠગે ફોન કાપી નાખ્યો હતો અને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ચેતનભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ સાયબર ઇ-એફઆઇઆરના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ગત 27 નવેમ્બર, 2026ના રોજ ફરિયાદ દાખલ કરી મોબાઇલ નંબર અને બેંક ખાતાની વિગતોના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here