ભરૂચ તાલુકાના કાસદ ગામમાં સરકારી કાંસના ખોદકામને લઈને વિવાદ ઊભો થયો છે. કાસદ અને મહુધલા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ખોદકામમાં મંજૂરીની શરતોનો ભંગ, જરૂરિયાત કરતાં વધુ ઊંડું ખોદકામ અને પીળી માટીના વેચાણમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
ખેડૂતોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, કાસદ ગામના સરપંચ ઇમરાન પટેલે ખેડૂતોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કામગીરી કાયદેસરની મંજૂરીથી થઈ રહી હોવાનું જણાવ્યું છે.
ખેડૂતોના આવેદનપત્ર મુજબ, સરકારી કાંસમાં 1.5 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવાની શરતી મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં સ્થળ પર પાંચ મીટરથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, કાંસમાંથી નીકળતી પીળી માટી પ્રતિ ડમ્પર આશરે રૂ.10 હજારમાં ચાવજ અને ઉમરાજ સહિતના વિસ્તારોમાં વેચવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ ડમ્પર માટીનું પરિવહન થયું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોએ સરપંચ ઇમરાન ઇબ્રાહિમ પટેલ સહિત અન્ય વ્યક્તિઓ સામે ખોદકામ અને માટીના વેચાણને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. મંજૂરી મેળવવા માટે કાંસમાં પાણી ભરાવાથી ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હોવાની પણ ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે. આથી ખોદકામની મંજૂરી, માટીના જથ્થા અને તેના વેચાણ સામે મળતી રકમની સાથે સરકારી રોયલ્ટીની પણ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.





