નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલી સરકારી વિનયન કોલેજ (પાનખલા) ખાતે માય ભારત નર્મદા (MY Bharat Narmada) દ્વારા ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ઉપક્રમે જિલ્લા કક્ષાની ‘વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ–૨૦૨૭’ અંતર્ગત ‘યુવા સંસદ–૨૦૨૭’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવાય, સંસદીય પ્રક્રિયાની સમજ વિકસે, નેતૃત્વ ક્ષમતામાં વધારો થાય તેમજ રાષ્ટ્રીય મહત્વના વિષયો અંગે યુવાનો પોતાના વિચારો અને અભિપ્રાયો નિર્ભયતાથી રજૂ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
યુવા સંસદનો મુખ્ય વિષય ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ રાખવામાં આવ્યો હતો. જેમાં યુવા સ્પર્ધકોએ સંસદીય પદ્ધતિ મુજબ વક્તવ્યો રજૂ કરી આ વિષયના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો, મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. યુવાનોની સક્રિય ભાગીદારીએ કાર્યક્રમને જીવંત અને વિચારપ્રેરક બનાવ્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નિવૃત્ત IAS અધિકારી ભરતભાઈ વસાવા, નાયબ ઇજનેર (R&B વિભાગ) નિખિલ રોય, નિવૃત્ત શિક્ષક તથા દેવમોગરા માઈ મંદિરના ટ્રસ્ટી નાનસિંગભાઈ વસાવા, કોલેજના આચાર્ય, પ્રોફેસરગણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માય ભારત નર્મદા દ્વારા યુવાનોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવા, રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વિચારશીલ બનાવવા અને ભવિષ્યના જવાબદાર નેતૃત્વનું નિર્માણ કરવા માટે આ પ્રકારના મંચ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સાગબારામાં યોજાયેલી જિલ્લા કક્ષાની યુવા સંસદ યુવાનોને પોતાની પ્રતિભા, વક્તૃત્વ કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરવાની મહત્વપૂર્ણ તક બની રહી હતી.





