•વઢવાણા ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની રીષ રાખીને હુમલો કરાયો
ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે લગ્નમાં ગયેલા એક યુવકને અન્ય ત્રણ ઇસમોએ લોખંડની પાઇપથી માર મારી ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે રહેતા દિનેશભાઇ દરૂભાઇ વસાવાને ચારેક વર્ષ પહેલા વઢવાણાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.
દિનેશ વસાવા ગત તા.૨૦ મીના રોજ તેના મિત્ર સાથે રાતના નવેક વાગ્યાના સમયે મોટરસાયકલ લઇને બામલ્લા ગામે લગ્નનો પ્રસંગ હોઇ બામલ્લા ગયો હતો. ત્યારબાદ રાતના અગિયારેક વાગ્યાના સમયે તે મોટરસાયકલ એક જગ્યાએ મુકીને નજીકમાં આવેલ દુકાને જતો હતો ત્યારે તે વખતે હરેશભાઇ સોમસંગ વસાવા તથા ગણેશભાઇ સોમભાઇ વસાવા બન્ને રહે. ગામ સરસાડ તા.ઝઘડીયા તેમજ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.ગામ સુથારપુરા તા.ઝઘડીયાનાએ તેને ઉભો રાખ્યો હતો અને મારવાનુ ચાલુ કરી દીધુ હતુ.
આ લોકો દિનેશને કહેતા હતા કે તુ વઢવાણાના સંદિપભાઇની બહેન સાથે પ્રેમસંબંધ કેમ રાખે છે? આ લોકોએ દિનેશને લોખંડની પાઇપથી માર મારીને પગ તેમજ કપાળના ભાગે તથા હાથ પર ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત દિનેશને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયો હતો.
આ અંગે દિનેશભાઇ દરૂભાઇ વસાવા રહે.ગામ વઢવાણા તા.ઝઘડીયાનાએ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.સુથારપુરા તા.ઝઘડીયા તેમજ ગણેશભાઇ સોમભાઇ વસાવા અને હરેશભાઇ સોમસંગ વસાવા બન્ને રહે.ગામ સરસાડ તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
•જયશીલ પટેલ,ન્યુઝલાઇન, ઝઘડીયા