દિવાળી વેકેશન પુરૂ થતાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ આજથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠશે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગોને લઇને મોટી જાહેરાત કરી છે.
આજથી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવાનું શરૂ થશે. અત્યાર સુધી ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઇન વર્ગો પણ શરૂ થશે. આવતી કાલથી ધો.1થી 5ની સાથે ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે.
જૂની કોરોનાની ગાઈડ લાઈન હતી તેમાં થોડી રાહત આપીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. જોકે બાલમંદિર અને નર્સરી માટે હજી કોઈ નિર્ણય કરાયો નથી. વાલીઓની સંમતિ સાથે ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ થશે.